ગોધરા,ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચુંટણીની મતદાર યાદીમાંથી રદ્દ કરવામાં આવેલી મંડળીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં હાઈકોર્ટે મંડળીઓની અરજી ડીસીમીસ કરી દેતા ચુંટણી એકતરફી બનશે તેવુ લાગી રહ્યુ છે. આગામી 17 મેના રોજ ફોર્મ ભરાશે અને 31મેના રોજ ચુંટણી યોજવામાં આવશે.
ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ટર્મ પુર્ણ થતાં આગામી તા.31મેના રોજ ચુંટણી યોજાવાની છે. ત્યારે ચુંટણી પહેલા પંચમહાલ જિલ્લા રજીસ્ટ્રારની કચેરી દ્વારા અધિકૃત અધિકારીની નિમણુંક કરીને પ્રાથમિક મતદારી યાદી બાદ સુધારેલી મતદાર યાદીમાંથી ખેડુત વિભાગની 40 મંડળીઓના 620 મતદારોમાંથી નિતિ નિયમો મુજબ 24 મંડળીઓ રદ્દ કરી અને એક નવી મંડળી ઉમેરતા નવી મતદાર યાદીમાં 17 મંડળીઓના 245 મતદારો રહ્યા હતા. ખેડુત વિભાગની 9 સેવા સહકાર મંડળી, 13 પ્રાકૃતિક સહકારી મંડળીઓ તથા 2 પિયત સહકારી મંડળીઓને એપીએમસીના નિયમો મુજબ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવી હતી. રદ્દ કરેલી ખેડુત વિભાગની 24 મંડળીઓમાંથી 17 મંડળીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવીને અરજી દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે 17 મંડળીઓની અરજીને ડીસમીસ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. એપીએમસીની ચુંટણીના ફોર્મ મેળવવાની અને ભરવાની એક જ દિવસ 17 મે રોજ હોવાથી 16મેની હાઈકોર્ટની સુનાવણીમાં સહકાર વિભાગની મંડળીઓનો ચુકાદો આવશે તેની ચર્ચાઓ એપીએમસી મતદારોમાં થવા લાગી હતી. ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપ્યા બાદ 17મી એ ફોર્મ ભરવાની પ્રક્રિયા થવાની હોવાથી એપીએમસીની ચુંટણી એકતરફી કે આખી બોડી બિનહરીફ જાહેર થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.