વર્ષોથી પોતાના ધંધામાં આંધળી કમાણી કરનાર ગોધરા તથા વેજલપુરના ૨૦ પ્રતિષ્ઠિત વેપારીઓને ત્યાં ૧૫ ટીમના આવક સર્વેથી ફફડાટ

  • વહેલી સવારે ૪ કલાકે વડોદરા ઈન્કમટેકસની રેડ.
  • ઈન્કમટેકસની રેડના પગલે અન્ય વેપારીઓ ભૂગર્ભમાં ચાલી ગયા.
  • અચાનક નિંદર ઉડી જતંા વેપારીઓમાં દોડધામ.
  • ફાયનાન્સ, ખાદ્યતેલ, ઓટોમોબાઈલ્સ, ગારમેન્ટ વગેરે પેઢીઓ પર દરોડો.
  • દરોડો પાડીને અધિકારીઓની ફોજે બે નંબરી આવક શોધવાનું અભિયાન.
  • લાંબા સમય બાદ વેપારીઓને ત્યાં દરોડા થી નાસભાગ.
  • મોડી સાંજ સુધી તમામને ત્યાં સર્વે કાર્યરત.
  • હજૂ સર્વે ગણતરી ચાલતા બે હિસાબી આંકડો ગુપ્ત.
  • એકાદ બે દિવસમાં આવક વિભાગ દ્વારા સકંજો કસાશે.
  • વાયુ વેગે વાત પ્રસરતા અન્ય વેપારીઓએ પેઢીઓ ખોલી નહિં.

ગોધરા, ગુરૂવારે એકાએક વહેલી સવારે ૪ કલાકે ગોધરા તથા વેજલપુરના ૨૦ વેપારીઓને ત્યાં ઈન્કમટેકસ વિભાગની ૧૫ જેટલી ટીમ ત્રાટકી હતી. મોડી સાંજ સુધી હાથ ધરાયેલ સર્વેમાં બેનામી સંપતિ શોધીને કાયદાકીય સકંજામાં લેવાની તૈયારીઓ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં દોડધામ સાથે ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. મોડી રાત સુધી સર્વે ચાલતા હજુ બેહિસાબી સ્પષ્ટ આંકડો બહાર આવ્યો નથી. ત્યારે સંભવત ચોંકાવનારો હશે.

ગોધરા શહેર તથા આસપાસના વિસ્તારમાં આવેલા ટેકસટાઈલ, ઓટો મોબાઈલ્સ, તેલ, ફાયનાન્સ તથા અન્ય ક્ષેત્રોમાં વેપાર કરનારા વેપારીઓ વર્ષોથી પ્રતિષ્ઠા ધરાવીને દિવસે દિવસે પોતાનો ધંધો-વેપાર વિસ્તૃત થઈ રહ્યો છે. પોતાના ધંધા-વેપારની આડમાં આંધળી કમાણી કરનાર ગોધરા તથા આસપાસના વિસ્તારના વેપારીઓ દ્વારા આવકની સરખામણીમાં સરકારના નિયત કરાયેલા કેન્દ્ર સરકારના ઈન્કમટેકસ તથા અન્ય વેરા ભરવામાં ભારે ઉદાસીનતા સેવાઈ રહી છે. એટલું જ નહિ આવક છુપાવા માટે નિતનવા નિયમોની આંટીધૂંટી અનુસરીને આવક ભરવા બચવાના પ્રયત્નો કરે છે. અંતે આવક કરતાં ઓછો કર ભરીને કર ચોરી કરાઈ રહી છે. કર ચોરી ઓછી ભરીને સરકારની તિજોરીને નુકશાન પહોંચાડવાની સાથે એક જવાબદાર નાગરિક તરીકેની અદામાં ચૂક કરી રહ્યાનું જાણવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આ પોતાના ધંધા વેપારમાં માંધાંતા બનેલા આ વેપારીઓ કરચોરી કરી રહ્યા હોવાની બાતમી ઈન્કમટેકસ વિભાગને પ્રાપ્ત થઈ હતી. જેના આધારે વડોદરા સર્કલ વિભાગની ૧૫ જેટલી પસંદગીના અધિકારીઓની ટીમ બનીને ગોધરા તથા વેજલપુર વિસ્તારના આ લક્ષ્યાંક ધરાવતા વેપારીઓના પેઢી તથા ઘરે વહેલી સવારે દરોડો પાડયો હતો. હજૂ તો સૂર્યનારાયણના દર્શન નહીં થઈને ગુરૂવારની સવારે ૪ કલાકના રોજ આ નામાકિંત વેપારીઓને ત્યાં આયકર વિભાગ ત્રાટકતા તેઓની નિંદ ઉડી ગઈ હતી. એકાએક કોઈપણ જાતની જાણકારી પૂર્વે અધિકારીઓની ફૌજ ઉતરી આવીને ધંધા-રોજગારના બિલોની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. ગોધરા વેજલપુર શહેરના અલગ અલગ ૨૦ ઉપરાંત જગ્યાએ વહેલી સવારે ૪ થી મોડી રાત સુધીનું બેહિસાબી આવક મેળવવા સર્વે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ એક વર્ષ બાદ દિવાળી તહેવાર પૂર્વે ઈન્કમટેકસ વિભાગ હાથ ધરાયેલ આ સર્વેને એક સાથે ૨૦ જગ્યાએ દરોડો પાડતા મેગા સર્વે કહેવાયું છે. આવકવેરા વિભાગની જુદી જુદી ૧૫ ઉપરંાત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલના મોટા વેપારીઓ, બિલ્ડરો ફાયનાન્સરો, ઓટો મોબાઈલનો બિઝનેશ કરનાર વેપારીઓ તથા સ્ક્રેપનો ધંધો કરનાર વેપારીઓને ત્યાં વહેલી સવારે મેગા સર્વે લાંબા સમય બાદ સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ બેનામી આવક ધરાવતા વેપારીઓના હોશકોશ ઉડી ગયા હતા. આવક વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનને લઈને કર અન્ય ચોરી કરનારા વેપારીઓ તથા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જેના પગલે વહેલી સવારથી જ અન્ય વેપારીઓ કે જે બે નંબરી બેહિસાબી આવક ધરાવતા વેપારીઓએ પોતાની પેઢીઓ બંધ રાખીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે. દિવસ દરમ્યાન ચાલી રહેલી સર્ચ ઓપરેશન બાદ મોટી માત્રામાં કર ચોરી બહાર આવે તેવી સંભાવના છે. ૧૫ ટીમો દ્વારા ૨૦ જેટલા વેપારીઓ ત્યાં દરોડો પાડીને ગુપ્ત રાહે અત્યંત ઊંડાણપૂર્વકનું સર્વે હાથ ધરવાની ગણતરી માંડી રહ્યા છે. આ સમાચાર લખાય છે. ત્યાં સુધી સર્વે કાર્યવાહી ચાલુ છે. સંભવત: સર્વે બાદ એકાદ-બે દિવસમાં કર ચોરીનો આંકડો બહારા આવે તેવી ગણતરીઓ મંડાઈ રહી છે. પરંતુ પ્રજામાં અનેક ચર્ચાઓએ સ્થાન લીધું છે.

વેજલપુર ગામની ફૂડ ઓઇલ મિલમા ઇન્કમટેક્ષના ધામા……

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ઘૂસર રોડપર આવેલ શ્રી સિધ્ધી વિનાયક ઓઇલ એન્ડ ફ્રુડ મિલમા વહેલી સવારથીજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેની તપાસ મોડા સુધી ચાલી હતી જેથી ગામ મા ચહલ પહલ મચી હતી. જેથી વેપારીઓ ફફડાટ વ્યાપી ગયો હતો. અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં પણ અવારનવાર આ ખાદ્યતેલ ઉત્૫ાદન કરતી કંપની ઉપર પુરવઠા, જીઈબી તથા અન્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કંપનીના સંચાલકો દ્વારા સરકારના નિયમોનું પાલન નહીં કરીને મનમાની કરી રહ્યાની બૂમ ઊઠી રહી છે. ભૂતકાળમાં પણ ઈન્કમટેકસ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. ત્યારે ફરી એકવાર દિવાળી તહેવાર પૂર્વે વેજલપુરના ખાદ્ય તેલ ઉત્પાદકને ત્યાં દરોડો પાડવામાં આવતા આવા બે નંબરી વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

સર્વે હાથ ધરતા સર્વે કરાયેલા વેપારીઓના નામોની યાદી.

૧.મનીષ શાહ ઉર્ફે ટીનાભાઈ
૨.કોઠી સ્ટીલ
૩.કેસરી ઓટો
૪.જીગ્નેશ શાહ
૫.પ્રેયશ સોની
૬.રાજા બાલવાણી
૭.અશ્ર્વિન ચંદુલાલ શાહ
૮.સ્ટેમ્પ વેન્ડર (૩) તેમજ અન્ય નાના મોટા વેપારીઓ.