- પદ માટે સત્તાવાર ચુંટણી જાહેર થતાં પૂન: રાજકીય ગરમાવો.
- ભાજપ અને અપક્ષો વચ્ચે સત્તા માટે તીવ્ર ખેંચતાણ.
- ભાજપની અપક્ષોમાં ગાબડંું પાડવાની ખેલતી કૂટનીતિ.
- ખુરશી માટે ભાજપાની નજરથી અપક્ષો અને ભાજપા વચ્ચે ઉંદર-બિલાડીની રાજરમત.
- ગોધરા અને શહેરામાં અનેક દાવેદારોની પ્રજામાં થતી ચર્ચા.
- ગોધરામાં ભાજપ માટે પસંદગીમાં માથાકુટ.
- શહેરામાં ચોકકસ ચહેરો જ દાવેદાર.
ગોધરા,હવે આગામી તા.૧૭ માર્ચના રોજ ગોધરા અને શહેરા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાનાર સત્તાવાર ચુંટણી જાહેર થતાં પૂન: રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. ગોધરામાં બહુમતીના અભાવે ભાજપ અને અપક્ષો વચ્ચે શરૂ થયેલી તોડજોડની નીતિના પગલે બંને છાવણીઓમાં હાલ તો ઉંદર-બિલાડીની રમત ચાલી રહી છે. જેથી ભાજપ માટે અગ્નિપરીક્ષા છે. આ વરણી પ્રક્રિયાની વૈતરાણી પાર પાડવા પ્રમુખપદ ભાજપ અને ઉપપ્રમુખ પદ સમર્થન આપનાર અપક્ષોમાંથી પસંદગી કરવાની કૂટનીતિ અપનાવાઈ રહી છે. પરંતુ શહેરા નગર પાલિકામાં બહુમતિ ધરાવતા ભાજપને મેન્ડેટ આધારે ચહેરાની પસંદગી થનાર હોઈ વરણી પ્રક્રિયા કોઈપણ જાતના વાદવિવાદ વિના ઔપચારિક બની રહેનાર છે.
ગોધરા નગર પાલિકાની ચુંટણી પરિણામો બાદ હારેલા ઉમેદવારો હાર-જીતના નફા-તોટાની ગણતરીઓ મુકીને ચુંટણી ખર્ચાઓની ગોઠવણી કરી રહ્યા છે. બીજી તરફ હવે ચુંટાયેલા વિજેતા ઉમેદવારો પ્રમુખપદ અને ઉપપ્રમુખપદે કોણ તેની ગોઠવણીમાં મચી પડયા છે. ગોધરામાં જનાદેશ મિશ્ર આવતા દાવેદારોની ઉંધ હરામ કરી દીધી છે. ભાજપ અને અપક્ષોને એકસરખી ૧૮-૧૮ બેઠકો પ્રાપ્ત થઈ છે. તો મીમ-૭ બેઠકો ઉપર જીત મેળવીને પદવાંચ્છુકોમાં પોતાની કિંંમત અને માંગ ઊભી કરી દીધી છે. પરંતુ કોને સમર્થન આપે છે, તે રહસ્યમય છે. ૪૪ બેઠક ધરાવતી પાલિકામાં આ વખતે પ્રમુખપદ સામાન્ય જનરલ રાખવામાં આવતાં ભાજપ અને અપક્ષો પાસે પૂરતી એટલે ૨૩ સભ્યોની બહુમતી નથી. જેથી અંકોનું ગણિત ગોઠવવા અપક્ષોમાં ગાબડું પાડવું પડે કાંતો મીમ ઉપર આધાર રાખવો પડે તેવી કાંટાની ટકકર જામી છે. છેલ્લા એક દાયકાથી અસ્પષ્ટ બહુમતિ મળતા અપક્ષોના સમર્થન હેઠળ ભાજપનું “સત્તાનું ગાડુ ગબડી રહ્યું છે. તે જોતા ભૂતકાળની માફક પ્રયોગાત્મક રણનીતિ બનાવીને અપક્ષોના ટેકા મેળવવા માટે કાવાદાવાના ખેલ ખેલાઈ રહયા છે. પાંચ અપક્ષ સભ્યોનો અભાવ વર્તાતા જો ચાર સભ્યો ભાજપાની તરફદારી કરી શકે તોયે ૧ની ધટ વર્તાય. તેની ભરપાઈ કરવા અન્ય અપક્ષોને ગેરહાજર રાખીને વેતરાણી પાર પાડતી યુકિત-પ્રયુકિત અજમાવાઈ રહી છે. આ ઉપરાંત ભાજપ પ્રમુખપદ હસ્તગત કરે અને ઉપપ્રમુખ પદ ભાજપને સમર્થન આપનાર અપક્ષ સભ્યને ભેટ આપવાની પણ અંદરખાને સોદાઓ થઈ રહ્યા છે. તો સામે અપક્ષ પક્ષે સંભવિત ચાર અપક્ષ સભ્યો ગેરહાજર રહે અને બાદમાં મીમના ૭ સભ્યો સમર્થન આપે તો પણ સંખ્યાબળ ૨૧ થાય તોય બે સભ્યોની તૂટ રહે તેમ છે. ભાજપ તરફે પણ બે ઉમેદવારોમાંંથી અપક્ષોનો ટેકો મેળવી શકે તેવા અંકની પસંદગી કરવી માથાપટ્ટી સર્જાઈ છે. હાલ તો પ્રમુખપદના નામ અંગે દ્વિધા હોઉ ચહેરા અંગે ગડમથલ ચાલી રહી છે. આંકડાપ બહુમતિ માટે અપક્ષોનો સાથ કોણ લે છે અને કયા ચહેરાને સાથ આપે છે તે અગત્યંું છે. એક અઠવાડિયાના સમય બચતા હવે ગુપ્ત બેઠકોનો દૌર ચાલીને ગોડફાધરણોનું શરણું લીધું છે. આ જોતા બહુમતિ માટે અપક્ષોના સમર્થન વિના ભાજપનું ખુરશીનું સ્વપ્ત રોળાઈ જાય તેમ હોવાથી અગ્નિપરીક્ષા છે. પરંતુ આગામી વરણી પ્રક્રિયા બાદ જ જેની લાઠી તેની ભેંસ તેવો ધાટ સર્જાશે. જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા ગોધરા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ કરાવવા માટે સામાન્ય સભાની બેઠક બોલાવવા ગોધરા નગરપાલિકા માટે નાયબ કલેક્ટર, ગોધરા પ્રાંત અધ્યાસી અધિકારી તરીકે નિમણૂંક કરતો હુકમ કરવામાં આવ્યો છે.
તા. ૧૭ માર્ચના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ગોધરા નગરપાલિકાની સામાન્ય સભા સરદાર નગરખંડ, ગોધરા ખાતે યોજાશે. ગોધરા નગરપાલિકાના પ્રમુખની જગ્યા માટે પ્રમુખ તરીકે સામાન્ય (જનરલ) ઉમેદવાર છે. જ્યારે શહેરા નગર પાલિકામાં પણ પ્રમુખપદ માટે ઉત્તેજના છવાઈ છે. જેથી મેન્ડેટ આધારે પસંદગી કરવામાં આવનાર હોવાથી આગામી વરણી પ્રક્રિયા કોઈપણ જાતના વાદ-વિવાદ વિના માત્ર ઔપચારિક બનીને ચહેરો જાહેર થનાર છે. તેમ છતાં પક્ષ કોની ઉપર પસંદગીનો કળશ ઢોળશે તે તો તેજ દિવસ સ્પષ્ટ થનાર છે. આ રીતે શહેરા નગરપાલિકામાં આગામી ૧૭મી માર્ચના રોજ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે.પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ૧૭મી માર્ચે સામાન્ય સભાની બેઠક યોજાશે. ૬ વોર્ડની ૨૪ બેઠકોમાંથી ૨ બેઠકો ભાજપની પહેલાથી જ બિનહરીફ થઈ હતી અને ૨૨ બેઠકોની યોજાઈ હતી. જેની મતગણના બીજી માર્ચે થઈ હતી અને ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પાલિકાની ૨૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો પોતાના નામે અંકિત કરી હતી. જ્યારે ૪ બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી.આમ પાલિકાના અસ્તિત્વ બાદ ભાજપે પોતાના શાસનનું આધિપત્ય જમાવી રાખ્યું હતું. જોકે ચૂંટણી પહેલા જ નગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની પ્રમુખપદની અવધિ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી માટેની અનામત છે . જ્યારે કે ઉપપ્રમુખ પદ માટે અન્ય ચૂંટાયેલા સભ્યો પોતાના ગોડફાધરના શરણે થયેલાં છે અને લાડવો તેમને મળે તે દિશામાં પ્રયત્નશીલ છે. આગામી ૧૭મી માર્ચે શહેરા નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી જે.એચ.બારોટના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાશે. આમ તો જિલ્લા ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે, ત્યારબાદ નક્કી થશે ચૂંટાયેલા સભ્યો પૈકી શહેરા નગરપાલિકામાં સત્તાનું સુકાન કોણ સંભળાશે.