ગોધરા,ગોધરા શહેરના જહુરપુરા શાકમાર્કેટમાં બાળકી પોતાના સગા સાથે ખરીદી કરવા આવી હતી. બાળકી સગા પાસેથી વિખુટી પડી જતાં બાળકની શોધખોળ કરવા છતાં મળી ન આવતા ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાળકીનુ અપહરણ થયાની શંકાને લઈને પોલીસે વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી. તેમજ બાળકીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને શોધખોળ શરૂ કરી હતી. પોલીસે શહેરના વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતા એક સીસીટીવી કેમેરામાં ભીખ માંગનારી મહિલાઓએ દુકાને દુકાને બાળકીને લઈને ફરતા જોવા મળ્યા હતા. ગોધરા તાલુકા પોલીસ મથકના પી.આઈ.પ્રવિણ અસોડા દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી બાતમીના આધારે તાલુકા પોલીસ મથકની ટીમે ગુમ થયેલી બાળકીને ગણતરીના કલાકોમાં ગોધરાના વણાંકપુર ગામેથી શોધી કાઢી હતી. તેમજ બાળકીને લઈને જનાર મહિલાઓને પકડીને બી-ડીવીઝન પોલીસને સોંપ્યા હતા. પોલીસે મહિલાઓની પુછપરછ કરતા મહિલાઓએ જણાવ્યુ હતુ કે, અમે માંગ્વા નીકળ્યા હતા. ત્યારે બાળકી રસ્તામાં ભુલી પડેલી રખડતી હતી. જેથી અમે તેને અમારી સાથે લઈ ગયા હતા તેમ જણાવ્યુ હતુ. ત્યારે પરિવારજનોને બાળકી પરત મળતા પોલીસનો આભાર માણ્યો હતો.