ગોધરા એસીબી પોલીસ મથકે એએસઆઇ તરીકે ફરજ બજાવતા કર્મચારી ધરેથી કોઠા ગામે જઇને પાનમ ડેમના પાવર હાઉસ પરથી નીચે પડી જતા મોત નિપજયું હતું. બનાવની જાણ થતા ગોધરા એસીબી સ્ટાફ અને શહેરા પોલીસ દોડી આવ્યો હતો. પોલીસે અ.મોત નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં હાર્ટની બિમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું બહાર નીકળ્યું છે.
શહેરા તાલુકાના બોરીયા ગામની ભુરિયાની મુવાડી ખાતે રહેતા 47 વર્ષીય કિશનભાઈ રણછોડભાઈ ભુરિયા પંચમહાલ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખામાં એએસઆઇ ( આસિ. સબ ઇસ્પેકટર) તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે તેઓ તેમના મોટાભાઈના ઘરેથી સવારે 6 વાગ્યે ગોધરા નોકરીએ જવાનું કહી નીકળ્યા હતા. 9 વાગ્યાની આસપાસમાં ફરિયાદી અને મૃતકના મોટાભાઈ કનુભાઈ ભુરિયાને વાતોવાતોમાં જાણવા મળ્યું હતું કે કોઠા ગામે પાનમડેમ ઉપર આવેલા જીઈબી પાવર હાઉસના કમ્પાઉન્ડમાં કિશનભાઈ રણછોડભાઈ ભુરિયા પડેલા છે.
આથી સગાસંબંધીઓ અને ગ્રામજનો બોરીયાના ખાનગી વાહન મારફતે કોઠા ગામે પાનમડેમ ઉપર જીઈબીના પાવરહાઉસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં કિશનભાઈ કમ્પાઉન્ડમાં દીવાલ પાસે પડેલા હતા. માથામાં વાગવાથી લોહી નીકળતું હતું. જ્યારે કે બંને પગ વળી ગયેલા હતા. આથી ત્યાં ફરજ બજાવતા વોચમેનને પૂછતાં તેણે જણાવ્યું હતું કે કોઈના પડવાનો અવાજ આવતા અહીં આવીને જોતા કિશનભાઈ પડેલા હતા. તેમને હલાવી જોતા તે હાલતા નહતાં. તેમને તાત્કાલિક શહેરા સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત ઘોષિત કર્યા હતા. પોલીસે ભારતીય ન્યાયસંહિતાની કલમ 194 અન્વયે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી મૃતદેહને શહેરા સરકારી મુડદા કોટડીમાં મુકાવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એટેચ તરીકે ગોધરા એસીબીમાં ફરજ બજાવતા હતા મૃતક એએસઆઈ કિશનભાઈ ભુરિયા વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસમાં સાવલી ખાતે ફરજ બજાવતા હતા. તેઓ પંચમહાલ જિલ્લાની એસીબી શાખામાં એટેચ તરીકે પણ ફરજ નિભાવતા હતા. મૃતકના એક ભાઇ ગોધરા ખાતે અને બીજો ભાઇ મહીસાગર જિલ્લા પોલીસ ખાતામાં ફરજ બજાવી રહ્યા છે. જો કે મૃતકના મોતના પગલે પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી.