ગોધરા, પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથક ખાતે નોંધાયેલા ગુજસીટોક ગુન્હો અને પશુ અધિનિયમ હેઠળના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ગોધરા નજીક આવેલા વાવડી ટોલનાકા ખાતેથી ઝડપી પાડયો હતો.ત્યારે પોલીસે આ મામલે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ સબ ઇન્સપેકટર ભાવિન એમ.રાઠોડ તેમજ સ્ટાફને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથક ખાતે વર્ષ 2022 માં નોંધાયેલા ધી ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ અને વર્ષ 2017 માં પશુ અધિનિયમ હેઠળના ગુન્હામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ગોધરા શહેરના ઇદગાહ મહોલ્લા,ગોન્દ્રાં ખાતે રહેતો મહેફૂઝ યાકુબ હયાત સંડોવાયેલો છે. જે વોન્ટેડ આરોપી હાલમાં અમદાવાદ હાઇવે રોડ બાજુથી ગોધરા તરફ આવી રહ્યો છે. જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ દ્વારા ગોધરા અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલા વાવડી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન બાતમી વર્ણન મુજબ ઉપરોક્ત આરોપી આવતા તેને વાવડી ટોલનાકા પાસેથી ઝડપી પાડયો હતો. જે આરોપીને પોલીસે હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથક ખાતે સોપવામાં આવ્યો હતો.