ગોધરામાં ભુરાવાવ એસટી વર્કશોપમાં 2 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડનું કામ શરૂ : ફ્લાય ઓવરની કામગીરીને કારણે હંગામી ધોરણે બસ સ્ટેન્ડ ભુરાવાવ ખસેડાશે

ગોધરામાં ચાલી રહેલા વિકાસના કામોમાં રેલવે અંડરપાસ તથા ફ્લાય ઓવરની કામગીરીને કારણે ટ્રાફીકની સમશ્યા સર્જાઇ રહી છે. જેના નિરકારણ માટે ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડને હંગામી ધોરણ માટે ભુરાવાવ એસટી વર્કશોપ ખાતેથી કાર્યરત કરવામાં આવશે. જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરી પૂર્ણ થતા હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થશે.

ગોધરા શહેરમાં વધતી જતી વસ્તી સાથે વાહનોની સંખ્યામાં પણ સતત થઇ રહેલા વધારને કારણે શહેરમાં દિવસે અને દિવસે ટ્રાફીકની સમશ્યા વધતી જતી હોય છે. ટ્રાફીકની સમસ્યાના કાયમી નિવારણ માટે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા સરકારમાં શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલ રેલવે ફાટકની જગ્યાએ અંડરપાસ, ભુરાવાવ વિસ્તામાં વધુ એક રેલવે ઓવરબ્રીજ સાથે 1.5 કિમી લાંબા ફ્લાય ઓવરની માંગણી કરવામાં આવી હતી. જેની મંજુરી મળતા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમા રેલ્વે ઓવર બ્રિજની કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જ્યારે શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલ રેલવે અંડરપાસ તથા 1.5 કિમી લાંબા ફ્લાય ઓવરની કામગીરી હાલ ચાલી રહી છે. ફ્લાય ઓવરની કામગીરી શરૂ થવાના સમયે કલેક્ટરે બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે લઇને જવાનું જાહેરનામું બહાર પાડયું હતુ. પણ કેટલીક અડચણો આવતી હતી. જેનું નિરાકરણ આવતા એસટી નિગમ દ્વારા ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડને કામચલાઉ ભુરાવાવ ખાતેના એસટી વર્કશોપ પાછળ ખસેડવાની મંજુરી આપી હતી. એસટી વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડીને અંદાજીત રૂા.2 કરોડના ખર્ચે કામ ચલાવુ નવીન બસ સ્ટેન્ડ બનાવની કામગીરી એજન્સીને આપી હતી. એજન્સી દ્વારા ભુરાવાવ એસટી વર્કશોપ ખાતે મુસાફરો માટે તમામ પ્રકારની પ્રાથમિક સુવિદ્યા સાથેનું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે કામગીરી માર્ચ માસ સુધીમાં પૂર્ણ થઇ જશે.