- ભજીયા ખાધા બાદ એકજ પરિવારના 11 સભ્યો ફૂડ પોઈજીનિંગની ઝપેટમાં આવ્યા.
- ખોરાકી ઝેરની અસર થતા 11 જેટલા દર્દીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં એકજ કુટુંબના 11 જેટલા વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. ત્યારે 11 જેટલા લોકોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી. જેમાં હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એક વૃદ્ધની હાલત વધારે બગડી જતા પરિવારજનો દ્વારા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે ઘરમાં રાંધેલ ભોજન સાથે ભજીયા ખાધા બાદ એકજ પરિવારના 11 જેટલા વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. દર્દીઓના સગાઓ દ્વારા મળતી માહિતી મુજબ ઘરમાં સામાજિક પ્રસંગ હોય અને તેમાં મોટા ભાઈની દીકરી અને જમાઈ મહેમાન બની આવ્યા હતા. જેને લઇને પરિવાર દ્વારા મહેમાનો માટે અને પરિવારના સભ્યો માટે દાળ ભાત સાથે ભજીયા બનાવવામાં આવ્યા હતા. જે ભોજન અને ભજીયા ખાધા બાદ પરિવારના દરેક સભ્યો મહિલા અને પુરૂષો સાથે 10 વર્ષીય બાળકીને ખોરાકી ઝેરની અસર થઈ હતી. બપોરના સમયે ઘરના સભ્યોએ અને મેહમાન બની આવેલ દીકરી અને જમાઈયે ભોજન અને ભજીયા ખાધા બાદ પરિવારના સભ્યોને અચાનકથી ઝાડા અને ઊલટી થવા માંડી હતી. જેને લઇને તેમને નજીકમાં આવેલી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ દર્દીઓની સ્થિતિ વધારે પડતી બગડી જતા તમામ દર્દીઓને વધુ સારવાર અર્થે ગોધરા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં 80 વર્ષીય વૃદ્ધાની સ્થિતિ ગંભીર બની જતા તેઓને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું હતું, પરંતુ દર્દીઓના પરિવારજનોએ વૃદ્ધ દર્દીને ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે લઇ જવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ તમામ દર્દીઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું.
દર્દીઓ નાં નામ…..
- જયદીપ રમણભાઈ રાઠવા(58 વર્ષ)
- લક્ષ્મણભાઈ ભીખાભાઈ રાઠવા(66 વર્ષ)
- દેવાંગભાઈ લક્ષ્મણભાઈ રાઠવા(18 વર્ષ)
- કલ્પનાબેન દેવાંગભાઈ રાઠવા(23 વર્ષ)
- કિર્તનભાઈ લક્ષ્મણભાઈ રાઠવા(18 વર્ષ)
- કપુરીબેન ભીખાભાઈ રાઠવા(75 વર્ષ)
- સવિતાબેન લક્ષ્મણભાઈ રાઠવા(50 વર્ષ)
- દર્શનાબેન લક્ષ્મણભાઈ રાઠવા(23 વર્ષ)
- બારીઆ ભુપેન્દ્રભાઈ મનહરભાઈ(23 વર્ષ)
- ભીખાભાઈ વાલાભાઈ રાઠવા(70 વર્ષ)
- જલ્પાબેન પ્રકાશભાઈ બારીઆ(10 વર્ષ)
ડો.રિદ્ધિ પટેલ (મેડીકલ ઓફીસર, જનરલ હોસ્પિટલ, ગોધરા) :-
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના એકજ પરિવારના 10 થી ઉપરાંત વ્યક્તિઓને ભજીયા ખાતા ફૂડ પોઇજિનિંગ થયેલ હતું જેમાં આ તમામ દર્દીઓને ઝાડા ઉલટી થઈ જતા તમામ દર્દીઓને આજે સાંજે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવામાં આવ્યા છે, જેમાં એક વૃદ્ધ મહિલાની સ્થિતી વધારે બગડી જતા તેઓને વધારે સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે બીજા તમામ ની સ્થિતિ સુધારા પર છે.