- ૩૨ જિલ્લાઓમાં યોજાયેલ કાર્યક્રમમાં ૪૫ હજાર કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ ૨૬૧૪ એમઓયુ થયા.
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ યોજાવા જઇ રહ્યું છે. આ ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ૨ ઓક્ટોબરથી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ એટલે કે ગાંધીજયંતીથી સરદાર પટેલ જયંતી દરમિયાન રાજ્યના કુલ ૩૨ જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં ૪૫ હજાર કરોડથી વધુના સંભવિત રોકાણો સાથે કુલ ૨૬૧૪ એમઓયુ ઓક્ટોબર મહિના દરમિયાન ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમો દરમિયાન ૪૫,૬૦૩.૭૧ કરોડના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ ૨૬૧૪ એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ થકી રાજ્યમાં ૧,૭૦,૮૮૩ જેટલી સંભવિત રોજગારીઓ ઉત્પન્ન થશે.
રાજ્યના તાપી જિલ્લાથી શરૂ થયો વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ગુજરાતના તાપી જિલ્લાથી વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ, ક્રમવાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ નું જે વિઝન આપ્યું છે, તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવીને ઊભો રહેવાનો છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે ઉદ્યોગકારો-રોકાણકારોમાં પાર્ટીસીપેશન અને ઓનરશિપની ભાવનાથી વાયબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ અને બોન્ડિંગ બંને માટે સક્ષમ મંચ મળે છે. ગુજરાત સરકારના વિવિધ મંત્રીશ્રીઓ પણ વિવિધ જિલ્લાઓમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં જોડાયા હતા.