ગિરનાર પર્વત પર ગંદકી કરનારાની હવે ખેર નહીં, ગંદકી કરનારાને દંડ સહિતની કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ

જૂનાગઢ,જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર ગંદકીને લઇને પર્યાવરણને થતાં નુક્સાન પર હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઇ હતી. જેને લઇને મોટો હાઈકોર્ટે કડક આદેશ આપ્યો છે. ગિરનાર પર્વત પર આવેલા મંદિરોની આસપાસ ગંદકી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. સાથે જ ગંદકી કરનારાને દંડ કરાશે અને આવા લોકો સામે ક્રિમીનલ પ્રોસિક્યુશન થશે. એટલું જ નહીં પર્વત પર દર ૧૦૦ પગથીયા પર પોલીસકર્મી અને સફાઈકર્મી હાજર રહેશે. સાથે સાથે પર્વત પર અલગ અલગ જગ્યાએ ડસ્ટબીન અને સાઈન બોર્ડ મુકાશે જેથી આવનારા લોકો ગંદકી ન કરે અને કચરો ફેલાવી પર્યાવરણને નુક્સાન ન કરે.

ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં રાજ્ય સરકારનું નોટિફિકેશન રેકોર્ડ પર મુકાયુ હતુ. જેમાં અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉત્પાદન, પેદાશ અને ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ ગમે ત્યા પ્લાસ્ટિકના રેપર કે કચરો ફેંકવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

ગિરનાર પર ફરવા માટે આવતા મુલાકાતીઓના આરોગ્યને યાને રાખી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ગીરનાર પર્વત પર ગંદકીના કારણે પર્યાવરણને નુક્સાન થતુ હોવાની ફરિયાદ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. ગંદકી મુદ્દે હાઈકોર્ટે શબરીમાલા, વૈષ્ણૌદેવી મંદિરની સ્વચ્છતા પરથી બોધપાઠ લેવા પણ ટકોર કરી છે.