જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે રાત્રે વિધિવત્ રીતે પ્રારંભ થયો છે. પરંતુ પરિક્રમાર્થીઓના ધસારાને લઈ એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો, જેને લઈ પરિક્રમા વહેલી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે તારીખ 11 અને 12 એમ બે દિવસમાં ભવનાથ અને પરિક્રમાના અલગ અલગ રૂટ પર નવ આધેડવયના લોકોના હાર્ટ-એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.
બે દિવસમાં નવ ભાવિકોના હૃદય થંભી ગયા જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. જોકે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇંટવા ગેઇટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જોકે, આ પરિક્રમા દરમિયાન માત્ર બે દિવસમાં જ નવ ભાવિકોના હાર્ટ એટેકથી મોત થયાં છે.
ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા લાખો પરિક્રમાર્થીઓ પૈકી નવ પરિક્રમાર્થીઓના બે દિવસમાં હાર્ટ-એટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. છાતીમાં થતો અસહ્ય દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. મૃત્યુ પામનાર નવેય પરિક્રમાર્થીઓ આધેડવયના પુરુષો છે. માત્ર બે દિવસમાં નવ પરિક્રમાર્થીઓના મોતની ઘટના સંભવત: પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મૃત્યુ પામેલા નવમાંથી આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ અને એકને ભેસાણ સિવિલ ખાતે લાવવામાં આવ્યા છે.
આઠ મૃતદેહ જૂનાગઢ અને એક ભેસાણ સિવિલમાં આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન હૃદય રોગના કારણે આઠ લોકોના મૃત્યુ થયા હતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને એકને ભેસાણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
એક દિવસમાં પરિક્રમાનો આગ્રહ ન રાખો: જિલ્લા કલેક્ટર પરિક્રમાર્થીઓને અપીલ કરતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમામાં લોકો એક જ દિવસમાં વહેલી પૂર્ણ થાય તેવા ભાવ સાથે એકસાથે ચાલે છે. જેના કારણે હાર્ટ-એટેક, ચક્કર આવવાના બનાવો બની શકે છે. જે ન બને તે માટે લોકોએ ધીરે- ધીરે આરામ લઇને ચાલવા તેમજ જો શરીરમાં આવું કંઇ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જોઇએ. આરોગ્યકર્મીઓને પણ આ બાબતે અવેરનેસ ફેલાવવા સૂચન કરવામાં આવ્યું છે.
મૃતકોનાં નામની યાદી
- મૂળજી રૂડાભાઇ લોખીલ (ઉ. 66, રહે. ભારતીનગર, રાજકોટ)
- પરશોત્તમ જગદીશભાઇ ભોજાણી (ઉ. 50, રહે. નવાગામ, જસદણ)
- હમીર સોડાભાઇ લમકા (ઉ. 65, રહે. અમરસર)
- રસિક ભોવાનભાઇ ભરડવા (ઉ. 60, રહે. દેવળા)
- મનસુખ મોહનભાઇ (ઉ. 70, રહે. રાજકોટ)
- આલા ગોવિદભાઇ ચાવડા (ઉ. 50, રહે. ગાંધીધામ)
- અરવિંદ ડાયા સિંધવ (ઉ. 54, રહે. સોરઠિયાવાડી, રાજકોટ)
- અરુણ હિમ્મતલાલ ટેઈલર (ઉ. 55, રહે. મુંબઈ)
- પટેલ નટવરલાલ દેવચંદ (ઉ. 70, રહે, અમદાવાદ)
જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમામાં આ વર્ષે યાત્રાળુઓની સુવિધાને ધ્યાને લઇ લાઈટની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. જેમાં કઠિન ચઢાણ ગણાતી નળપાણીની ઘોડી ખાતે, જટાશંકર-ગિરનાર જૂની સીડી અને ઇટવા ઘોડી ચડતા ઊતરતા વિસ્તારમાં પણ પ્રથમવાર ડીઝલ જનરેટર દ્વારા લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, જંગલ વિસ્તારમાં પણ યાત્રિકોને લાઈટ ઉપલબ્ધ થાય તે માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા રૂટ પર રાત્રિના સમયે અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલના કર્મચારીઓ, એન્જિનિયર સાથેનો ટેક્નિકલ સ્ટાફ રાઉન્ડ ધી ફરજ બજાવી રહ્યા છે.