ગિરિરાજ પર દાદા ચાલશે, દાદાગીરી નહીં: મુનિ મહાબોધીસુરી

  • ગિરિરાજનો કણ કણ અમારા માટે ભગવાન, ન્યાય નહીં મળે તો આટલા લોકોનું બલિદાન હશે- જયરત્નસુરી

અમદાવાદ,

અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે. ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા છે. પાલડી ચાર રસ્તાથી ઇક્ધમટેક્ષથી વાડજ થઇ આરટીઓ ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. ૩ કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી. જેમાં ૧૫ હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી ત્યારે રેલીના કારણે એક તરફનો ૩ કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા હતા, જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી હતી. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી હતી. મંચ પરથી મુનિઓની પોતાની માગ રાખી હતી.ત્યારબાદ આવેદન આપ્યું હતું.

જયરત્નસુરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગિરિરાજનો એક એક કણ અમારા માટે પથ્થર નથી ભગવાન છે. જૈન સમાજ પહેલી વાર માંગ લઈને આવ્યો છે. ન્યાય નહીં મળે તો આ રેલી નહીં આટલા લોકોનું બલિદાન હશે.

જૈન સમાજના મુનિ રત્નસુંદરએ જણાવ્યું હતું કે, અત્યારે જે માહોલ બન્યો તે જૈન સમાજનું ડિફેન્સ બજેટ છે. અમે ભાગવાના મૂડમાં નથી. કોઈના ઘરમાં રેડ પાડીએ તે આપણા લોહીમાં નથી, પણ કોઈ આપણા ઘરમાં રેડ પાડી જાય તો? આ રેલી દ્વારા મેસેજ પહોંચાડી દેજો કે, આક્રોશ આક્રમણમાં બદલાશે. આક્રોશમાં ૫ માણસમાં છમકલું થઈ જાય, હજારોની સંખ્યામાં આજે છો છતાં શાંતિ છે. શક્તિ વાપરવા નહીં દેખાડવા માટે હોય છે. અમારી શક્તિ વાપરવી પડે તેવા દિવસો લાવતા જ નહીં. આ જોઈને તમે ડરી જાવ નહીં તો વી આર રેડી. જ્યાં સુધી શક્તિ દેખાડતા નથી, ત્યાં સુધી સમાધાન પણ થતું નથી.

જૈન સમાજના મુનિ મહાબોધીસુરીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, આ રેલી શત્રુંજય ઘેરી શકે છે. આ રેલી સરકાર વિરોધી નહીં સરકારને વિનંતી માટેની રેલી છે. ગિરિરાજ પર દાદા ચાલશે, દાદાગીરી નહીં. આજે એક નારો યાદ રાખજો કે ગિરિ પર દાદા ચાલશે પણ દાદાગીરી નહીં ચાલે. ૩ દિવસનો સમય આપવામાં આવશે. ૩ દિવસમાં સરકાર આગળ આવશે અને ચોક્કસ પરિણામ આપશે. સરકાર સંસ્કૃતિ પ્રેમી છે, આપણો અવાજ શિસ્ત સાથે પહોંચાડવામાં આવશે તો તેમને સાંભળવો જ પડશે.

સમગ્ર દેશમાં જૈન સમાજ રેલી યોજાઈ છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું છે. ગિરિરાજ પર બની રહેલાં ગેરકાયદેસર દબાણો અટકાવવા જૈન સમાજની માંગ છે. બિહારના સમ્મેત શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ મહારેલીનો હેતુ છે. અમદાવાદમાં પણ પાલડીથી આરટીઓ સુધી રેલી યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા.

મનોહર જૈને જણાવ્યું હતું કે, ગિરિરાજ પર લોકોએ દબાણ કર્યું છે, ત્યાં અધર્મી લોકોએ ખોટા કામ શરૂ કરી દીધા છે. તો તે અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. શત્રુંજય પર કોઈ જ દબાણ ના થાય તથા ત્યાં કોઈ તોડફોડ ના થાય તે માટે અમે આજે રેલી યોજી છે. રેલીમાં સમાજના હજારો લોકો જોડાયા છે. જો હજુ અમારી માગ પૂરી નહીં થાય તો અમે અહિંસક રીતે વિરોધ ચાલુ જ રાખીશું.સવારે ૯ વાગે પાલડી ખાતેથી જૈન સમાજના લોકોએ રેલી યોજી હતી. રેલીમાં જૈન સમાજના સાધુ-સંતો જોડાયા હતા. સમાજનાં નાનાં બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. સમાજના લોકોએ શેત્રુંજય બચાવવા માટે રેલી યોજી હતી, જેથી પાલડી ખાતે જૈન સમાજના મુનિઓએ શ્લોકોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોને પોતાનો અવાજ દેશભરમાં પહોંચાડી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું. ૫૦૦થી વધુ જૈન મુનિઓ રેલીમાં પગપાળા જોડાયા હતા.

પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ અને ત્યારબાદ શેત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ કરનાર મુઠ્ઠીભર તત્ત્વો સમગ્ર રાજ્યની શાંતિ ડહોળી રહ્યા છે, ત્યારે આ લોકો સામે કડક પગલાં ભરવાં અને તીર્થની રક્ષા માટે કાયમી પગલાં ભરવાની માંગણી સાથે તાજેતરમાં ઓપેરા જૈન સંઘ અમદાવાદ ખાતે મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ પખવાડિયા પહેલાં પણ રાજ્યભરના જૈન સંઘના યુવકો, પ્રતિનિધિઓ અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈના જૈનોની એક વિશાળ રેલી પાલિતાણા જય તળેટી ખાતેથી નીકળી હતી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.