ગુજરાતભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. ક્યાક માત્ર ૧ કલાકમાં ૫ ઈંચ વરસાદ તો ક્યાંક ૨ કલાકમાં ૧૧ ઈંચ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના ઉનામાં ભારે વરસાદના કારણે ત્યાંની મછુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
ગીર-સોમનાથના ઉનાની મછુન્દ્રી નદીમાં પૂર આવ્યું છે. જેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં એટલો વરસાદ પડી રહ્યો છે કે આ સિઝનમાં જ મછુન્દ્રી નદીમાં બીજી વખત પૂર આવ્યું છે. વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની રહી છે. આથી લોકોને નદીકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.
મછુન્દ્રી નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે અહીં આ નદી ગાંડીતૂર બનતા વહિવટીતંત્રએ લોકોને ચેતવ્યા છે અને ત્યાંથી દૂર રહેવાની સૂચના આપી છે. હાલ નદીમાં પાણીનો ડરામણો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જોકે આ સાથે ગીર સોમનાથમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.