ગીર-સોમનાથ, આગામી લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લઈને ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના કેમ્પેઇન પણ શરૂ છે, તો ઇવીએમ અને વીવીપેટ દ્વારા મત કેવી રીતે આપવાથી લઈ તમામ જાણકારી મતદારોને આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ નિદર્શનના જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઈણાજ ખાતેના જિલ્લા સેવા સદનના પરિસરમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
લોક્સભા ચૂંટણીને લક્ષમાં લઈ સમગ્ર મતદારો, એમાં પણ ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. ઈવીએમ અને વીવીપેટ નિદર્શન માટે ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા ફાળવેલ એલઇડી મોબાઈલ વાન દ્વારા સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં તબક્કાવાર નિર્દેશ કરવામાં આવશે.
જે અંતર્ગત ૯૦-સોમનાથ વિધાનસભા મતવિભાગમાં તા.૧૯-૦૧-૨૦૨૪થી તા.૩૦-૦૧-૨૦૨૪ સુધી, ૯૧-તાલાલામાં તા.૩૧-૦૧-૨૦૨૪થી તા.૦૮-૦૨-૨૦૨૪ સુધી, ૯૨-કોડીનારમાં તા.૦૯-૦૨-૨૦૨૪થી તા.૧૭-૦૨-૨૦૨૪ સુધી જ્યારે ૯૩-ઉનામાં તા૧૮-૦૨-૨૦૨૪થી તા.૨૯-૦૨-૨૦૨૪ દરમિયાન મોબાઈલ વાનના માયમથી સમગ્ર જાણકારી આપવામાં આવશે.
ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર કે.વી.બાટી દ્વારા મહત્તમ નાગરિકો ઈવીએમ તેમજ વીવીપેટની કાર્યપદ્ધતિથી માહિતગાર થાય તે અંગે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવી બારૈયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.