ગીરસોમનાથ, ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફૂડપોઈઝનિંગ થવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં લગ્ન પ્રસંગમાં ફૂડપોઈઝનિંગના કારણે ૨૦૦થી વધુ લોકોને અસર થઈ છે. લગ્ન પ્રસંગમાં હાજર મહેમાનોની તબિયત બગડતા તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ૨૦૦થી વધુ લોકો ફૂડપોઈઝનિંગનો શિકાર થતા પોલીસે આ બનાવની નોંધ લીધી છે.
ગીર સોમનાથમાં વેરાવળના માથાસુળિયા ગામના એક લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ લગ્ન પ્રસંગમાં અચાનક એક પછી એક લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ થવા લાગી. આમ, પ્રસંગમાં હાજર મોટાભાગના ૨૦૦ જેટલા મહેમાનોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું. કહેવાય છે કે જમણવારમાં ખોરાકમાં ઝેરની અસરના કારણે મહેમાનોની તબિયત અચાનક બગડવા લાગી. વધુ લોકોની તબિયત બગડતા આખરે તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રાજ્યમાં અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લગ્ન પ્રસંગોમાં આપવામાં આવતા જ્યુસ, કેરીનો રસ અથવા કોઈ ખાદ્ય પદાર્થ જલદી ખરાબ થઈ જાય છે. ગરમીમાં ઉપોયગમાં લેવાતા ઠંડા પીણાંમાં પણ કેટલીક વખત ઝેરી અસર જોવા મળે છે. આ પ્રકારના પીણાનું સેવન કરતા ફૂડપોઈઝનિંગ થઈ શકે છે.
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ જાનૈયાઓ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસમાં જ અચાનક લોકોની તબિયત બગડવા લાગી હતી. જાનૈયાઓ ઘરે જવાના બદલે સીધા હોસ્પિટલ પંહોચ્યા હતા. વર-કન્યા સહિત અનેક જાનૈયાઓની હાલત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગરમીની સિઝનમાં ઠંડા પીણાં અને બહારના ખોરાકને લઈને સાવધાની જરૂર રાખવી. ગીર સોમનાથમાં એક લગ્ન પ્રસંગમાં ફૂડપોઈઝનિંગ થતા ૨૦૦થી વધુ લોકોને અસર થઈ. કેટલાક લોકોની હાલત વધુ ગંભીર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.