હાલ ઉનાળાના વેકેશનનો સમય ચાલી રહ્યો છે. પરિવારના લોકો વેકેશનની રજા માણવા અને ફરવા ઉપડી જતા હોય છે. ત્યારે અજાણી જગ્યાએ ફરવા જતા હોય ત્યારે માતા પિતાએ બાળકોનું ખાસ યાન રાખવું જોઈએ નહિ તો ઘણી વાર અકસ્માત થતા હોય એવા કિસ્સાઓ બનતા હોય છે. આવો જ એક બનાવ ગીર સોમનાથના તાલાલામાંથી સામે આવ્યો છે. જ્યાં એક પરિવાર ગીર ફરવા આવ્યો હતો. ત્યારે સ્વિમિંગ પુલમાં ૬ વર્ષનો બાળક નાહવા જતા ડૂબી ગયો હતો અને મૃત્યુ થયું હતું.
બનાવની વિગતો જોઈએ તો, ઉનાળુ વેકેશનને લઈને ગીરમાં ફરવા આવેલા વલ્લભીપુરના ગૌતમભાઈ વઢવાણિયા પરિવારનો પરિવાર ગીરમાં ફરવા આવ્યો હતો. તેઓ ૬ સભ્યો સાથે ભોજદે ગામે આવેલ લાયન ટેક ફાર્મ હાઉસમાં ઉતર્યા હતા. બપોરની ગરમીમાં પરિવારના સભ્યો ફાર્મ હાઉસના સ્વિમિંગપુલમાં નાહવા માટે ગયા હતા. ત્યારે ૬ વર્ષનો પુત્ર દેવાંશ સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. પરિવારની નજર સામે જ દેવાંશ ડૂબી ગયો હતો. પરિવારના સભ્યોની નજર પડતા જ તેને તરત જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. તેમજ અન્ય બાળકોને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી ફાર્મ હાઉસમાં રહેલા અન્ય લોકો અને પરિવારજનોએ સોંપીને દેવાંશને દવાખાને લઇ ગયા હતા. તેને સૌ પ્રથમ તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન દેવાંશને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પરિવાર સામે જ ૬ વર્ષના બાળકનું મૃત્યુ થતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.હાલ તો બાળકના મોત અંગે તાલાલા પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.