ગાંધીનગર, ગાંધીનગરમાં બનાવેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે.
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેક્નિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઈન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારી, માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી ‘વાઈન એન્ડ ડાઇન’ આપતી ગિફ્ટ સિટીની હોટલ્સ, રેસ્ટોરાં ક્લબમાં લિકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની, જેને ઓથોરાઇઝ કેર તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.
ગિફ્ટ સિટીમાં હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઇન ફેસિલિટી, એટલે કે એફ.એલ.3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટલ, ક્લબ, રેસ્ટોરાંમાં લિકરનું સેવન કરી શકશે, પરંતુ હોટલ, ક્લબ કે રેસ્ટોરાંમાંથી લિકરની બોટલનું વેચાણ કરી શકશે નહીં.
સમગ્ર પ્રક્રિયામાં ગુજરાત રાજ્ય નશાબંધી અને અકબારી વિભાગ ગિફ્ટ સિટી ખાતે આવેલા ઋક3 પરવાના ધરાવતી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબ દ્વારા કરવામાં આવતી લિકરની આયાત, સંગ્રહ અને એના દ્વારા પીરસવામાં આવતા લિકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.
ગિફ્ટ સિટીમાં દારૂ બંધીની છૂટ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, અત્યંત દુ:ખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીને પાછલા બારણે છટૂ આપવા જે પરેવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે તેનાથી હું વ્યથિત છું. દારૂ બંધી છે તેના કારણે ગુજરાતનો વિકાસ અને શાંતિ એખલાસ છે. રાત્રે બે કે ત્રણ વાગ્યે એક દીકરી દાંડીયા રાસમાંથી નવરાત્રિ દરમિયાન એકલી સ્કૂટર કે રીક્ષામાં બેસીને ઘરે જઈ શકે છે. બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગ નાખે છે કારણે કે, જાણે છે કે, મજૂર દારૂના અવડા રસ્તે નહીં જાય. કારીગર, કામદાર કે મહેનત કરનાર વ્યક્તિ અવડા રસ્તે નહીં જાય અને આઉટપુટ સારો મળશે. કોંગ્રેસની સરકારમાં આખા દેશમાં સૌથી વધારે કાગળ પરના એમઓયુ નહીં, સાચું મુડી રોકાણ કોઈ એક રાજ્યમાં સૌથી વધુ આવ્યું હોય તો તે ગુજરાત હતું. એ 1992નો સમય ક્યારે ન ભૂલી શકાય.
એશિયાની સૌથી મોટી બે રીફાઈનરી એસઆર અને રિલાયન્સ જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું આવ્યું. આખું એક મોટું ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બન્યું. ગિફ્ટ સિટી… જે શહેરનું નામ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે. એ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ. ત્યાં રેસિડેન્શિયલ એરિયા પણ છે. કોઈ માણસ દારૂ પીને પકડાય તો કહી દે કે હું ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ. આખા ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો અથવા બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે. તેને કંટ્રોલ કરવો જોઇએ. આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઇએ. ગુજરાતનો યુવાન એની બુદ્ધિમત્તા, એનું કૌશલ્ય એ અમેરિકા, ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતા વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય અને મોટેલનો માલિક બને છે. આ બુદ્ધિમત્તા ગુજરાતના યુવાનની છે. એને તમે દારૂના રવાડે ચડાવીને દારૂની છૂટ આપીને કઈ દિશામાં દઈ જવા માગો છો. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને મુલતવી રાખવામાં આવે.