ઝઘડિયા જીઆઇડીસીમાં વાલિયા તા.પં.ના પૂર્વ પ્રમુખના પુત્ર ઉપર ૧૦ રાઉન્ડ ફાયરિંગ

ભરૂચ, ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીમાં નવા ઉદ્યોગો આવી રહયાં છે ત્યારે માટીકામ, બાંધકામ, લેબરવર્ક સહિતના કોન્ટ્રાકટો માટે ગેંગવોરના મંડાણ થયા છે. વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર અને યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા પર અન્ય કોન્ટ્રાકટરના સાગરિતોએ ઝઘડિયા જીઆઇડીસીમાં જીવલેણ હૂમલો કરતાં ચકચાર મચી છે. ૮થી ૧૦ કારમાં ધસી આવેલાં હુમલાખોરોએ ૮થી ૧૦ રાઉન્ડ ગોળીબાર કરવાની સાથે ૧૦થી વધારે કારોમાં તોડફોડ કરી હતી. હૂમલામાં એક યુવાનને માથામાં ધારિયું વાગતાં તેને સારવાર માટે ખસેડાયો છે.

ઘટનાને પગલે એસપી સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં હતાં. જીઆઇડીસીમાં નવા ઉદ્યોગોને કારણે કોન્ટ્રાકટ મેળવવા કોન્ટ્રાકટરો વચ્ચે લોહિયાળ જંગ શરૂ થયો છે. ઝઘડિયામાં ઉદ્યોગો તેમના પ્લાન્ટ સ્થાપી રહયાં છે પણ હવે કોન્ટ્રાકટરો વચ્ચે માથાકુટ શરૂ થઇ ચુકી છે. વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ વસાવાના પુત્ર રજની વસાવા યુથ પાવર સંગઠનના પણ અધ્યક્ષ છે અને બહુચર કાર્ટિંગનો વ્યવસાય કરે છે.

તેઓ માણસો સાથે જીઆઇડીસીની આરતી કંપનીના નવા પ્લાન્ટમાં બાંધકામનું કવોટેશન આપવા ગયા ત્યારે કરણ રામુ વસાવા, સતનામ, સત્તાર, મુકેશ, ધમો, લાલુ વસાવા સહિતના ૮થી ૧૦ ઇસમો કારમાં ધસી આવ્યાં હતાં અને રજની વસાવા અને સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ ગોળીબારની સાથે રજની વસાવા સહીત અન્ય લોકોની ૧૦ કારમાં તોડફોડ કરી હતી.અરૂણ વસાવા ભાગતી વેળા પડી જતાં તેના પર ધારિયાથી હૂમલો કરાયો હતો. જેથી તેને સારવાર માટે ખસેડાયો છે. ડીવાયએસપી ચિરાગ દેસાઇએ જણાવ્યું કે, આરોપી વિરૂધ હત્યાની કોશિશ, રાયોટીંગ અને આર્મ્સ એકટનો ગુનો નોંધ્યો છે.

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીઓમાંથી કમિશન અને નવા કામો મેળવવા માટે જયમીન પટેલે મારા પર હૂમલો કરાવ્યો છે. જયમીન મહેસાણાથી ભરૂચ જિલ્લામાં આવી લોકોને ધમકાવી રહયો છે પણ અમે લોકો તેનાથી ડરવાના નથી. અમારી ઉપર ૨૫ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ભરૂચના એસપી ડૉ. લીના પાટીલે કહ્યું હતું કે એક કોન્ટ્રાકટરનું કામ ચાલતું હતું ત્યાં બીજો કોન્ટ્રાકટર કામ લેવા જતાં અથડામણ થઇ હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળ્યું છે. સ્થળ પરથી ૭ જેટલા કારતુસ મળ્યાં છે. આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કાયદો હાથમાં લેનારા કોઇ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ અને કડક હાથે કાર્યવાહી કરાશે.