ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે મોટી દુર્ઘટના બની : ૨૪ લોકોને કરંટ લાગ્યો, ૨ ના મોત થયા.

રાજકોટ,
ઝારખંડના બોકારોમાં મહોરમના ઝુલૂસ હાઈ ટેન્શન તારની ઝપેટમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાંતાજિયામાં બ્લાસ્ટ થતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટ જીલ્લાના ધોરાજીમા રસુલ પરામાં નીકળેલા તાજીયામાં કરંટ લાગતા એક્સાથે ૨૪ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ૨ લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીના રસુલ પરા વિસ્તારની આ ઘટના છે. ધોરાજીના રસુલપરામાં તાજીયા ઉપડાતા સમયે ૨૪ જેટલા શખ્સોને વીજ કરંટ લાગ્યો હતો. ધોરાજી રસૂલપરા વિસ્તાર મોહરમના તાજીયાને માતમ માટે માતમ માથી ઉપાડતી વેળાએ ૨૪ જેટલા વ્યક્તિઓને શોર્ટ સકટ લાગતા ઇજાગ્રસ્ત થયા છે. તમામને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં ત્રણ થી ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાને પગલે સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલમા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા છે.

આ ઘટનામાં બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. સાજીદ જુમા શઁધી અને જુનેદ હનીફ માંજોઠી નામના બે વ્યક્તિના મોત નિપજતા ધોરાજીમાં શોકનો માહોલ છવાયો છે. મહોરમ દરમિયાન કોઈપણ જાતના ઢોલ નગારા કે ઉત્સવ મનાવાને બદલે શોક મનાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. અકસ્માતને પગલે ધોરાજી હોસ્પિટલમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ધોરાજી ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ સાથે પીજીવીસીએએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી
ઉલ્લેખનીય છે કે, ઝારખંડના બોકારોમાં મહોરમના ઝુલૂસમાં મોટો અકસ્માત સર્જાયો હતો. હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા તાજિયામાં બ્લાસ્ટ થયો હતો. તાજિયામાં બ્લાસ્ટ થતા ચાર લોકોનું મૃત્યુ થયા. તો ઘાયલ થયેલા ૧૩ લોકોમાંથી નવની હાલત ગંભીર છે. સવારે છ વાગ્યાની આસપાસ તાજિયા લઈને જતા હતા ત્યારની ઘટના છે. બોકારોના બેરમો વિસ્તારની ઘટનામાં મહોરમના તાજિયા લઈને જવામાં આવી રહ્યા હતા ત્યારે ૧૧ હજાર વોલ્ટના તારની ચપેટમાં આવી ગયા. જેના કારણે તાજિયામાં રાખેલી બેટરીમાં બ્લાસ્ટ થયો અને મોટો અકસ્માત થયો. ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.