
અમદાવાદ,
શહેરના વટવા વિસ્તારમાં બાપ દીકરી વચ્ચેના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાવકા પિતાએ ૧૬ વર્ષની દીકરીને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચરતા પોલીસે ગુનો નોંધી સાવકા પિતાની ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર ઘટનામાં કોણ છે આ નરાધમ પિતા જે પોતાની દીકરી સાથે આવું નીચ કૃત્ય કર્યું છે. આમ તો એવું કહેવાય છે કે બાપ માટે દીકરી વ્હાલનો દરિયો હોય છે. પરંતુ આ ઘોર કળયુગમાં સાવકા પિતાએ દીકરી પર વ્હાલ દર્શાવવાની જગ્યાએ ૧૬ વર્ષની સગીર દીકરી પર વારંવાર બળાત્કાર ગુજારી પોતાની હવસ પૂરતો હતો. આ નરાધમ સાવકા પિતા વિશે મળતી માહિતી પ્રમાણે વટવા વિસ્તારમાં રહેતો અને પ્રિન્ટિંગનું કામ કરે છે. હવસ પૂરી કરવા આ સાવકા પિતાએ દીકરીને કેફી પદાર્થ પીવડાવીને અનેક વખત દુષ્કર્મ આચરી ચૂક્યો છે. જોકે સગીર દીકરીએ ઘટનાની જાણ માતાને કરતા માતાએ વટવા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપી પિતાને ઝડપી પડ્યો છે.

પોલીસે સગીર દીકરીનું કાઉન્સિલર કરતા પોતાની આપવીતી જણાવી હતી. સાવકા બાપે ન માત્ર અમદાવાદ પરંતુ ફરવાના બહાને જયપુર, રાજસ્થાન અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે દીકરીનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતો હોવાની હકીક્ત સામે આવી છે.
જોકે હાલ તો પોલીસે દીકરીનો મેડિકલ રિપોર્ટ કરાવી આરોપી પિતાની ધરપકડ કરી કઈ કઈ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને કેફી પદાર્થ ક્યાંથી લાવ્યો હતો આ તમામ બાબતોને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.