ઘોઘંબાના ખરડી નાળા પાસે ખાનગી વાનમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીનીઓને બેસાડીને જતા હતા. ત્યારે વાનનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી ધો. 10ની વિદ્યાર્થિની ચાલુ વાનમાંથી પડી જતા ગંભીર ઇજાઓ થતા મોત નિપજયું હતુ. અકસ્માતની ધટનાની હજુ સુધી પોલીસ ફરીયાદ નોધાઇ નથી. ઘોઘંબાના ચાઠાં ગામે રહેતી હિતરબેન પર્વતભાઇ બારીયા રીંછવાણીની સરદાર પટેલ હાઇસ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. હિતરબેનના ધરેથી હાઇસ્કૂલ 10 કિમી દુર હોવાથી હિતરબેન સહીત વિદ્યાર્થીનીઓ રોજ ખાનગી વાનમાં અપડાઉન કરતી હતી. હાઇસ્કૂલ સુધી અેસટી બસની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ માસીક રૂા.800ના ભાડામાં ખાનગી વાનમાં રોજ જોખમી મુસાફરી કરતા હતા. હાલ ધો.10ની પરીક્ષ ચાલતી હોવાથી હિતરબેન સહીત ગામના અન્ય વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલમાં પરીક્ષા આપી હતી. પેપર પૂર્ણ થયા બાદ ખાનગી વાનમાં હિતરબેન સહીત 23 વિદ્યાર્થીઓ બેસાડયા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
ખાનગી વાનનો પાછળનો દરવાજો ખુલ્લો રાખીને વાન ચાલક વાન હંકારતો હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. તે દરમ્યાન પાછળ બેઠેલી હિતરબેન અચાનક રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.વાન ચાલક દ્વારા ઇજાગ્રસ્તને બોર ગામે દવાખાને લઇ ગયા બાદ 108 મારફતે ગોધરા સિવિલ ખાતે લાવ્યા હતા. જયાં હાજર તબિબે મૃત જાહેર કરી હતી. શાળાની વિદ્યાર્થીના મોતથી વિદ્યાર્થીઓ ગમગીન બન્યા હતા. જયારે આચાર્યે જણાવ્યું કે અમારી શાળાના બાળકો માટે અેસટીની સુવિધા માટે રજૂઆત કરી છે પણ ચાલુ થઇ નથી તેમ જણાવ્યું છે. ત્યારે એસટી બસની સુવિધાના અભાવે ખાનગી વાનમાં જોખમી મુસાફરી કરતી વિદ્યાર્થીનું મોત થતા માતમ છવાયો હતો.
- રીંછવાણી સ્કૂલમાંથી પરીક્ષા આપી ઘરે ખાનગી વાનમાં જતી હતી
- એસટી બસના અભાવે ખાનગી વાનમાં અપડાઉન કરતી હતી
- ચાલુ વાનમાંથી હિતર પડી જતા મૃત્યુ પામી છે
અમારી શાળા સુધી રોડ બની ગયા છે. બસની સુવિધા ન હોવાથી અમે રૂા.800 આપીને ખાનગી વાહનમાં શાળામાં આવીએ છીએ. એક વાનમાં 20થી 25 છોકરાઓને બેસાડે છે. શનિવારે હિતરબેન અને મે પરીક્ષ આપીને વાનમાં ધરે આવતા હતો. ગાડીમાં વધારે છોકરાઓ હોવાથી પાછળનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. ખરડી નાળા પાસે વાનમાંથી હિતર બારીયા પડી જતા મૃત્યુ પામી છે. > રાધાબેન બારીયા, વિદ્યાર્થિની
કશુ થયું નથી તેમ ગાડીવાળાએ અમને કીધું હતું
ખરડી નાળા પાસે મારી છોકરી વાનમાંથી પડી ગઇ હતી.મારી છોકરી વાગતા બોર દવાખાના લઇ ગયા હતા. ગાડીવાળા કશુ થયું નથી તેમ અમને કીધું હતું. પછી અમને ખબર પડી મારી છોકરીને બહું વાગ્યું છે. ગોધરા લઇને આવતા ડોકટરે મૃત્યે પામી હોવાનું કીધું. >ટીનીબેન બારીયા, મૃતકની માતા