ઘોઘંબાના રણજીતનગર ગામમાં ઘુસેલો દીપડો કૂવામાં પડ્યો : વન વિભાગે કૂવામાં પાંજરૂ ઉતારી દીપડાનું રેસ્ક્યૂ કર્યુ

ઘોઘંબા તાલુકાના રણજીત નગર ગામમાં ઘૂસી આવેલો દીપડો એક કૂવામાં પડી જતા તેને ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. ગામમાં દીપડો ઘૂસી આવ્યાની જાણ વાયુવેગે ગ્રામજનોમાં ફેલાતા લોકોમાં ભય ફેલાયો છે. કૂવા ઉપર બાંધેલી નેટ તૂટેલી જણાઈ આવતા ખેતર માલીકે સવારમાં કૂવામાં જોતા વયસ્ક દીપડો જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસ તેમજ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા.

ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે ચેલાવાડા રોડ ઉપર આવેલા વસાવા ફળિયામાં ગત મોડી રાત્રે ઘુસી આવેલો દિપડો દિનેશભાઈ મેલજીભાઈ વસાવાના ઘર પાછળ આવેલા કૂવામાં પડી ગયો હોવાની જાણ સવારે થઈ હતી. રાત્રે 12 વાગ્યાની આજુબાજુ કૂતરાની ભાસવાનો અવાજ કૂવા તરફ આવ્યો હોવાનું ઘર મલિક પાસેથી જાણવા મળ્યું છે. દિનેશ વસાવા દ્વારા તેઓના મકાનની પાછળ આવેલા કૂવાનું પાણી સ્વચ્છ રહે કોઈ કચરું ન પડે તે માટે કુવા ઉપર બાંધી રાખવામાં આવેલી નેટ ખુલ્લી અને તૂટેલી જોતા સવારે કૂવામાં જોયું હતું તો અંદર પાણીમાં દીપડો હોવા અંગે જાણ થઈ હતી.

રણજીત નગર ગામમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની જાણે વાયુએગે ગામ લોકોમાં ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાથે સાથે બનાવ અંગેની જાણ રાજગઢ રેન્જ ફોરેસ્ટ ઓફિસ તેમજ પોલીસને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી કૂવામાં પાંજરું ઉતારીને દીપડાને રેસ્ક્યૂ કરી તેને બહાર કાઢવામાં આવ્યો છે.

રણજીત નગર ખાતે કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવતા રાજગઢ રેન્જ ફોરેસ્ટના ઇન્ચાર્જ આરએફઓ મહિપાલસિંહ પરમાર, કાનપુર ફોરેસ્ટર પલાસ અને સીમાલિયા બીટગાર્ડ કેબી પરમાર સાથે બનાવ સ્થળે પહોંચ્યા હતા અને રાજગઢ રેન્જ ના રણજીતનગર રાઉન્ડ ના સ્ટાફ સાથે દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

કૂવામાં પાંજરું ઉતારી દીપડાને પાંજરે પૂરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ગોધરા ડિવિઝનના ડીએફઓ મીના તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે જો દીપડાને કોઈ મેજર એન્જરી હશે તેને વધુ સારવારની જરૂરિયાત જણાશે તો તેને ધોબી કુવા સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવશે, પરંતુ જો દીપડો સ્વસ્થ હશે તેને કોઈ બીજા પહોંચેલી નહીં હોય તો રાત્રે જંગલ વિસ્તારમાં છોડી મુકાશે.