ઘોઘંબા તાલુકાની રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. પારસભાઈ પટેલની આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય કામગીરી

ઘોઘંબા,
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત બની છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલ છે. સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો આરોગ્ય ક્ષેત્રે તાલુકાના લોકો ભરપૂર લાભ લઇ રહ્યા છે.કહેવાય છે કે ’મંદિર ઘણું સુંદર હોય છે પરંતુ પૂજારી બરાબર ન હોય તો મંદિર મંદિર કહેવાતું નથી.’

પરંતુ એક ઉત્તમ ઉદાહરણ રૂપે હું આજે એક એવા વ્યક્તિત્વની વાત કરવા જઈ રહ્યો છું કે આપ સૌ વાચકોને આશ્ચર્ય થશે.મિત્રો આજે ઘોઘંબાની હોસ્પિટલમાં ડોક્ટર પારસ પટેલ મુખ્ય તબીબ તરીકે છેલ્લા ૧૬ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આમ તો તેઓ રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના વતની છે. સ્વભાવે શાંત અને માયાળુ.માતા-પિતા અને વડીલોના આશીર્વાદના કારણે તથા પોતાની ઉચ્ચ અભ્યાસની ઈચ્છાને લીધે આરોગ્યલક્ષી અભ્યાસ કરી એમ.બી.બી.એસ સુધીની સિદ્ધિ મેળવી છે. ડોક્ટર પારસ પટેલે અભ્યાસ પછીની સૌપ્રથમ નોકરીની શરૂઆત ઘોઘંબાની આ હોસ્પિટલમાં કરેલ છે. મૂળ રહેવાસી રાજસ્થાન રાજ્યના હોઈ આ વિસ્તારની લોક બોલી અને ભાષાથી જરા પણ પરિચય ન હતો. જેથી કરીને તેઓએ સ્થાનિક કક્ષાના મિત્રોની મદદ લઈને અહીંની ભાષા અને વ્યવહારોને એક વર્ષના સંઘર્ષ સાથે બરાબર સમજીને શીખી લીધો. કહેવાય છે કે “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” તેમ ડોક્ટર સાહેબે પણ ઘોઘંબાને પોતાનું કર્મક્ષેત્ર અને પોતાની પાસે આવેલા દર્દીઓની સેવાને મક્કમ નિર્ધાર બનાવ્યો. ઘોઘંબા ગામના નાના – મોટા સૌ, આસપાસના તમામ ગામડાના લોકો આજે પણ રેફરલ હોસ્પિટલમાં કોઈ પણ જાતની બીમારી ચોક્કસ નિદાન કરાવવા દોડી આવે છે. ડોક્ટર સાહેબ ની ચોક્કસ નિદાન પદ્ધતિ દ્વારા ગંભીર દર્દીઓ પણ હસતા થઈને પોતાના ઘરે જતા પણ અમે જોયા છે.

આપ સૌ જાણીએ છીએ તેમ ખરેખર ઘોઘંબાને રેફરલ હોસ્પિટલમાં આવા કર્મનિષ્ઠ અને ખંતીલુ વ્યક્તિત્વ ધરાવનાર ડોક્ટર પારસ પટેલના લીધે જ હોસ્પિટલ દિવસ-રાત ધમધમતી હોય છે, અને સાથે સાથે તેઓએ પોતાના સાથી કર્મચારીઓ સાથે પણ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખી દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહ્યા છે.
તેઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ, ભોળા અને સુવિધાઓના અભાવ વાળા લોકો માટે સુવાવડ માટેની ઉત્તમ અને ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં મૃત્યુ દર ઓછો અને ઉત્તમ પ્રસૂતિ કરાવવા બદલ સરકાર તરફથી તેઓને બે એવોર્ડ એનાયત થયેલ છે. આ સાથે સાથે આરોગ્ય સેવાના ભાગ‚પે કાયાકલ્પ એવોર્ડ, સ્વચ્છતા એવોર્ડ, કોરોના વોરિયર્સ એવોર્ડ અને બીજા અનેક સન્માનો પ્રાપ્ત થયેલા છે.
હોસ્પિટલમાં વિવિધ દાતાઓ નો સંપર્ક કરીને તેઓના દ્વારા ગાદલા, ચાદરો, પડદા, વ્હીલચેર જેવી દર્દીઓને જરૂરિયાત મુજબની વસ્તુઓનું દાન મેળવીને સરકારના મદદરૂપ થવામાં ખાસ સહયોગ પ્રાપ્ત કરેલ છે.
ડોક્ટર પારસભાઈ પટેલે પોતાના મા-બાપના સંસ્કારો અને આપેલા આશીર્વાદથી આ વિસ્તારની જનતાની ઉત્તમ સેવા કરી રહ્યા છે. સાથે સાથે સમગ્ર તાલુકાની જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. હજુ પણ તેઓ કહે છે કે આ હોસ્પિટલમાં આવેલ દરેક દર્દી એ મારા માટે ભગવાન છે અને હું તેને મારાથી બનતી કોશિશ કરીને સાજો કરવાના પ્રયત્ન કરૂ છું. જ્યાં સુધી હું આ હોસ્પિટલમાં હોઈશ ત્યાં સુધી દરેક નાગરિક માટે રાત-દિવસનો જોયા વગર મારી ફરજ બજાવીશ.

ડોક્ટર રાત-દિવસ હંમેશના માટે જાગતા જ હોય છે કારણ કે જ્યારે પણ એમ્બ્યુલન્સ, ૧૦૮ કે અન્ય માધ્યમોથી અકસ્માતમાં દર્દીઓ, સુવાવડના દર્દીઓ, આકસ્મિક બીમારીના દર્દીઓ અને કોરોના મહામારીના કેસો પણ જ્યારે આવે છે ત્યારે તેઓ હંમેશા માટે દવાખાને હાજર થઈ જતા હોય છે. દરેક દર્દીને ચોક્કસ નિદાન કરી સાચી સલાહ આપી યોગ્ય ઉપચાર સાથે દર્દીની સારવાર કરે છે.
સાચે જ કહેવાય છે કે ડોક્ટર એ “ભગવાનનું બીજું સ્વરૂપ” છે. જે સત્ય છે.ખરેખર આવા ઉત્સાહી અને કર્મઠ કર્મચારીઓ આ તાલુકાના લોકોને મળ્યા છે. ત્યારે સૌ નાગરીકો તેઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. તેઓની કામગીરીને બિરદાવે છે અને હંમેશા અખૂટ આશીર્વાદ વરસાવતા રહ્યા છે.