ઘોઘંબામાં દાઉદરાના માજી સરપંચના પુત્ર સહીત ટોળાંએ યુવકને માર મારતા ઇજાગ્રસ્ત યુવકને વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો. વડોદરા સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત યુવકનું 13 દિવસ બાદ મોત નિપજતા પરિવારજનોએ હત્યાનો ગુનો નોંધવાની માંગ કરીને મુતદેહ સાથે રાજગઢ પોલીસ મથકે ટોળાં ઉમટીને હોબાળો મચાવ્યો હતો. આખરે પોલીસે નવા કાયદા મુજબની હત્યાની કલમ 103નો ઉમેરો કરતા મામલો થાળે પડયો હતો. ઘોઘંબાના જકાતનાકાની બાજુમાં હેરકટિંગનું સલુન ચલાવતા પ્રગ્નેશ ભાટીયાની દુકાનમાં કૌશિક વારંવાર આવતો હોવાથી બંને વચ્ચેની મુલાકાત મિત્રતામાં પરીણમી હતી. કૌશીકની પ્રથમ પત્નીનું અવસાન થતા તેને બીજું લગ્ન કર્યુ હતું. તા. 17 સપ્ટેના રોજ દાઉદરાના માજી સરપંચનો પુત્ર કૌશિક અજીતસિંહ ચૌહાણ તથા અન્ય બે ઇસમો પ્રગ્નેશ ભાટીયાની ઘરે આવીને કૌશિકે કહ્યું તું કેમ મારી પત્નીના મોબાઇલ પર મેસેજ કરે છે. તેમ કહીને મારમાર્યો હતો. પ્રગ્નેશને લોખંડની પાઇપ મારીને ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્ત પ્રગ્નેશને વધુ સારવાર માટે વડોદરા હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં 13 દિવસ બાદ સારવાર દરમ્યાન પ્રગ્નેશ ભાટીયાનું મોત નિપજયું હતું.
મૃતક પ્રગ્નેશ ભાટીયાના પરિવારજનોએ હુમલામાં સંડોવાયેલા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ જાણવા મળ્યા મુજબ જે તે સમયે હુમલાખોરોને બચાવવા માટે રાજકીય હસ્તીઓ દ્વારા પણ આ બનાવને દબાવી દેવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે મૃતદેહનું પીએમ કર્યા બાદ મૃતકના સગાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો મૃતદેહ લઇને રાજગઢ પોલીસ મથકે લઇને આવ્યા હતા. જ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોધવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. આખરે પોલીસે ફરીયાદમાં નવા કાયદા મુજબની હત્યાની 103 ની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસે ફરીયાદમાં બી.એન.એસ.કલમ 115(2), 117(2), 103, 352, 54 તથા જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.
માથા અને કરોડરજ્જુમાં ઇજાઓથી મોત થયું : પીએમ રીપોર્ટ ઇજાગ્રસ્ત પ્રગ્નેશ ભાટીયાની સારવાર વડોદરા ખાતેની હોસ્પીટલમાં ચાલતી હતી. સારવાર દરમ્યાન પ્રગ્નેશનું મોત થતા પોલીસે મોતનું કારણ જાણવા પીએમ કરાવ્યું હતું. પીએમ રીપોર્ટમાં પ્રગ્નેશ ભાટીયાને માથાના ભાગે તથા કરોડ રજ્જુમાં ઇજાઓ થતા તેને આડ અરસોને લીધે મૃત્યુ પામ્યો હોવાનો પીએમ રીપોર્ટ આવ્યો હતો.
વાગેલી હાલતમાં મારા ભાઇને કારમાં લઇ ગયા હતા એક કાર અને બે બાઇકોમાં 15 જેટલા માણસો મારક હથીયાર લઇને પ્રગ્નેશને મારવા આવ્યા હતા. લોખંડની એગલોથી મારા ભાઇને મારમારીને નીચે નાખી દીધો હતો. વાગેલી હાલતમાં મારા ભાઇને કાર લઇ ગયા હતા. મારા ભાઇને પોલીસ મથકે લઇ જતા પોલીસે દવાખાને લઇ જવાનું કીધુ હતુ. તેઓ મારાભાઇને સરકારી દવાખાને દાખલ કરીને જતા રહ્યા હતા. મારો ભાઇ મરણ પામ્યો છે. અમને ન્યાય મળવો જોઇઅે. – હીરલબેન ભાટીયા, મૃતકની બહેન