ધોધંબામાં વાનરોના ટોળાના આતંક મહિલા અને વિદ્યાર્થીને બચકાં ભરતાં વાનરોને પકડી પાડવા વન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ.

ધોધંબા,
ઘોઘંબામાં વાનારોના ટોળાએ ત્રણ દિવસથી આતંક મચાવી લોકોને બચકા ભરીને ઇજાઓ પહોંચાડતા લોકોમાં ભય ફેલાયો છે. વાંદરાઓ અચાનક દોડી આવે છે અને ગમે તેને પકડીને બચકા ભરી ઇજાઓ પહોંચાડી ભાગી છૂટે છે. નગરમાં ગઈકાલે ઘર બહાર કામ કરી રહેલી એક મહિલાને બચકા ભરી ઇજાઓ પહોંચાડી હતી અને આજે એક શાળાના વિદ્યાર્થીને પગમાં બચકું ભરી લેતા આ આતંકી બનેલા વાનરોને પકડી પાડવા વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે. ઘોઘંબામાં છેલ્લા ત્રણ દિવસથી વાંદરાઓએ આતંક મચાવ્યો છે. રહીશો ઉપર હુમલા કરી બચકાં ભરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બનતા કપિરાજના આતંક સામે નગરજનોમાં ભય ફેલાયો છે. લોકો બજારમાં નીકળવાનું ટાળી રહ્યા છે. ગઈકાલે વાંદરાએ ઘોઘંબા સ્વામિનારાયણ મંદિરની પાછળ ગોઠ ફળિયામાં રહેતા પૂનમબેન પંચોલી ઘરની બહાર કામ કરી રહ્યા હતા. અચાનક ત્રણ-ચાર વાંદરાઓ દોડી આવ્યા હતા અને પૂનમબેનના પગમાં બચકા ભરી લેતા માસના લોચા બહાર આવી જતા સારવાર લેવાની ફરજ પડી હતી. દસેક જેટલા ટાંકાઓ લીધા પછી પણ હાલ પૂનમબેનને ચાલવામાં તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આજે આ વાંદરાએ ગુજરાતી પ્રાથમિક શાળાની બહાર એક વિદ્યાર્થીને પગમાં સાથળના ભાગે બચકાં ભરી લેતા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે. હડકવાયા થયેલા વાંદરાએ ઘોઘંબા નગરને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ હાલ નગરમાંજોવા મળી રહી છે. લોકો બજારમાં નીકળતા એક પ્રકારનો ડર અનુભવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આ સ્થિતિ હોવા છતાં વન વિભાગ દ્વારા આતંક ફેલાવનાર વાંદરાને પકડી પાડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

વન વિભાગ દ્વારા આ વાંદરો વધુ લોકોને ઈજાઓ પહોંચાડે તે પહેલા પાંજરા મૂકી તેનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દે એવું નગરજનો ઇચ્છી રહ્યા છે. હાલ આ કપિરાજને લઈને નગરમાં ભય ઊભો થયો હોવાની હકીકતો વન વિભાગ જાણતું હોવા છતાં તે કોઈના આદેશની રાહ જોઈ રહ્યું હોય તેમ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.