ઘોઘંબાના વાંકોડ ગામના ૧૦૧ આવાસ લાભાર્થીઓના નામો યાદીમાંથી કમી કરાતા TDO ને આવેદન

ગોધરા,
ઘોઘંબા તાલુકાના વાંકોડ ગામના ૧૦૧ આવાસ યોજનાના લાભાર્થીઓના નામ યાદીમાંથી ડિલીટ કરી દેવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે. ગામના ૩૮૫ લાભાર્થીઓ પૈકી ૧૦૧ લાભાર્થીઓના નામ ડિલીટ કરાયા હોવાના આક્ષેપ કરી મહિલાઓ સરપંચના ધરે રજુઆત માટે પહોંચી જતા ત્યાં ચકમક ઝરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન માટે પ્રતિવર્ષ લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. વાંકોડ ગામમાં આવાસ યોજનાની ૩૮૫ લાભાર્થીઓનો યાદીમાં સમાવેશ હતો. જે પૈકી ૧૦૧ લાભાર્થીઓના નામ યાદીમાંથી રિમુવ કરી દેવામાં આવ્યા હોવાની સ્થાનિકોને જાણ થતા તલાટીએ મિલીભગત કરી પોતાના નામ યાદીમાંથી ડિલીટ કર્યા હોવાના આક્ષેપો કરવા સાથે જ તપાસની માંગણી કરતુ આવેદનપત્ર ટી.ડી.ઓને આપ્યુ છે. જેમાં ગ્રામ પંચાયતના ઠરાવ બુકની નકલ પણ જોડવામાં આવી છે. જે અંગે પણ ગ્રામ પંચાયત સભ્યોની જાણ બહાર ઠરાવ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. નામ કેમ યાદીમાંથી ડિલીટ કર્યા એ તપાસ બાદ જાણી શકાશે. અને જે સાચા અને મેળવવા પાત્ર લાભાર્થીઓ હશે એમનો યાદીમાં સમાવેશ કરાશે. એમ ટી.ડી.ઓ.આર.કે.રાઠવાએ જણાવ્યુ હતુ.