![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2020/12/IMG-20201210-WA0061-768x1024.jpg)
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામોમાં આદમખોર દિપડાના હુમલામાં બે માસૂમ બાળકોના મોતની ધટના બનવા પામી છે. ત્યારે લાંબા સમયથી લોકોની માંગને અવગણના કરતું ફોરેસ્ટ વિભાગ સફાળું જાગ્યું હોય તેમ લાગ્યું છે. આદમખોર દિપડાને પાંજરે પુરવા માટે ધટનાવાળા ગામો તેમજ જંગલ વિસ્તારોમાં પાંચ જેટલા પાંજરામાં મારણ મૂકીને દિપડાને ઝડપી પાડવાનું ઓપેરશન હાથ ધરવામાં આવ્યું છે. ગતરાત્રીના સમયે કાંટાવેડા ગામે દિપડાને પકડવા મૂકેલ પાંજરામાં રાખેલ બકરીનું દિપડા એ મારણ કરી પાંજરામાંથી નાશી છુટીયો હતો.
ઘોઘંબાના કાંટાવેડા અને ગોયાસુંડલ ગામેામાં ૮ ડિસેમ્બરના રોજ આદમખોર દિપડાના હુમલામા બે માસૂમ બાળકોના મોત નિપજાવાની ધટનાથી ઘોઘંબા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. એક જ દિવસમાં બે માસૂમ બાળકોને દિપડા એ હુમલો કરીને મોત નિપજાવી દેવાની ધટનાથી ધોધંબા પંથકના અંતરીયાળ ગામોના લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘોઘંબા તાલુકામાં બે બાળકો દિપડાના હુમલામાં મોત થવાની ધટના પહેલા પણ દિપડાના હુમલામાં એક બાળકનું મોત અગાઉ થઈ ચુકયું હતું. ત્યાંથી અંતરીયાળ વિસ્તારના ગામોના રહિશો દ્વારા દિપડાને પાંજરે પુરવાની માંગ કરાઈ રહી હતી. તેમ છતાં ફોરેસ્ટ વિભાગે હિંસક આદમખોર દિપડાને ઝડપી પાડવા માટે ગંભીરતાથી લીધી ન હતી. જેને લઈ ઘોઘંબા પંથકના કાંટાવેડા અને ગોયાસુંડલ ગામોમાં એક ૮ વર્ષીય અને પાંચ વર્ષીય બાળકો ઉપર દિપડો હુમલો કરી મોતને ધાટ ઉતારી દેવાની ધટના કાળજંું કંપાવી નાખે તેવી ધટના એક દિવસમાં બનવા પામી હતી. જેને લઈ ફોરેસ્ટ વિભાગ જાણે સફાળું જાગ્યું હોય તેમ આદમખોર દિપડાને ઝડપી પાડવા માટે પાંચ જેટલા પાંજરા મુકવામાં આવ્યા હતા. તેમાં દિપડા દ્વારા બાળકો ઉપર કરવામાં આવેલ હુમલાવાળા સ્થળે પણ પાંજરા મુકવામાં આવ્યા હતા. કાંટાવેડા ગામે ફોેરેસ્ટ વિભાગ દ્વારા પાંજરંું મૂકીને બકરીને મારણ માટે રાખવામાં આવી હતી. રાત્રીના સમયે હિંસક આદમખોર દિપડા એ પાંજરામાં રાખેલ બકરીનું મારણ કરીને પાંજરામાંથી પાછો નાશી છુટવામાં સફળ થયો છે. આમ ફોરેસ્ટ વિભાગ દ્વારા આદમખોર દિપડાને ઝડપી પાડવાની મહેનત પર જાણે પાણી ફેરવાઈ જવા પામ્યું છે. ત્યારે હવે જોવાનું રહે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા દિપડાને પકડવા મૂકેલ પાંચ જેટલા પાંજરામાં દિપડા પકડાઈ જાય તો ઘોઘંબા પંથકના લોકોમાં હાશકારો થાય તેમ છે.
રિપોર્ટર : યોગેશ કનોજીયા