ઘોઘંબામાં દિપડાનો હુમલો : બે માસૂમોના મોત બાદ વન વિભાગ સફાળુ જાગ્યું

  • બાળકોના મોતના પગલે દિપડાને પાંજરે પુરવાની કવાયત તેજ કરી.
  • ઘોઘંબા તાલુકામાં દિપડાના હુમલામાં બે બાળકોના મોત થતાં જીલ્લા કલેકટર ઘટના સ્થળની મુલાકાત લીધી.
  • વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પાંચ પાંજરા ગોઠવ્યા.

ઘોઘંબા,
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટાવેડા અને ગોેયાસુંડલ ગામમાં આદમખોર દિપડાના હુમલામાં બે માસૂક બાળકોના મોત થવા પામ્યા છે. અંતરીયાળ ગામોમાં દિપડાના હુમલાના બનાવોની જાણ થતાં જીલ્લા કલેકટર દ્વારા પણ ગામો અને પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી. ઘોઘંબા પંથકમાં દિપડાના આતંકને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘટનાવાળા ગામો અને સ્થળો ઉપર દિપડાને ઝડપી પાડવા માટે પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. અને આવા માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ઘરી તેમ છતાં પહોંચ થી દુર જણાય છે.

ઘોઘંબા તાલુકાના અનેક ગામો જંગલ વિસ્તારને અડીને આવેલ છે. આવા અંતરીયાળ ગામોમાં હિંસક દિપડાના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. ગતરોજ ઘોઘંબા તાલુકાના કાંટાવેડા ગામના ૮ વર્ષીય બાળક સીમમાં બકરાં ચરાવવા ગયો હતો. ત્યારે આદમખોર દિપડા એ બાળક ઉપર હુમલો કરીને ફાડી ખાવાનો બનાવ બનવા પામ્યો હતો. જ્યારે એજ દિવસમાં ગોયાસુંડલ ગામ પાંચ વર્ષીય બાળક પોતાના ઘર આંગણામાં રમી રહ્યો હતો. દરમ્યાન દિપડા એ બાળક ઉપર પાછળથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડતા પાંચ વર્ષીય બાળકનું મોત નિપજાવા પામ્યું હતું. ઘોઘંબા પંથકમાં એક જ દિવસમાં બે માસૂમ બાળકો દિપડાના હુમલામાં મોત થવા પામતા ગ્રામજનો ભયભીત બન્યા છે.

ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોમાં એક જ દિવસે આદમખોર દિપડાના હુમલાના બે બનાવોમાં માસૂમ બાળકોના મોત થવાની ઘટના સામે આવતાં પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા ઘટનાવાળા ગામોની મુલાકાત લેવામાં આવી હતી. ઘોઘંબા તાલુકામાં એક જ દિવસમાં બે અલગ અલગ ગામોમાં દિપડાના હુમલામાં બે માસૂમ બાળકોના મોત થવાની ઘટનાને જોતાં ફોરેસ્ટ વિભાગની ખાસ ટીમ દ્વારા આદમખોર દિપડાઓને ઝડપી પાડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘોઘંબાના કાંટાવેડા ગામ સીમમાં બાળક ઉપર દિપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તે સ્થળે એક પાંજરું ગોઠવવામાં આવ્યું છે. જ્યારે ગોયાસુંડલ ગામે પાંચ વર્ષીય બાળક ઉપર દિપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો તે સ્થળે એક પાંજરુ મૂકી આદમખોર હિંસક દિપડાને ઝડપી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

દિપડાની પ્રવેશબંધી માટે લોકોનું રાત્રી જાગરણ…..

ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોમાં દિપડાના હુમલામાં બે માસૂમ બાળકોના મોતના પગલે ગ્રામ્ય વિસ્તારોના લોકો ભયભીત બન્યા છે. ગ્રામજનો દ્વારા દિપડાના હુમલાની બાળકો અને પશુઓને બચાવવા માટે પહેરો ભરવાનું શરૂ કર્યું છે. આવા વન વિભાગની નજીક આવેલા ગામોમાં રાતના સમયે માનવભક્ષી દિપડો ગામમાં પ્રવેશીને નાના બાળકો ઉપર હુમલો કરીને રામશરણ પહોંચાડી રહેતા લોકો પણ ભયભીત બન્યા છે અને આગામી સમયમાં દિપડો ગામમાં ન પ્રવેશે તે માટે રાત્રે જાગરણ કરાઈ રહ્યું છે.

વનકર્મીઓની સુરક્ષામાં ચૂક : ફેન્સીંગ વાડમાં ગાબડાં પાડતા માનવભક્ષી દિપડા….

વન વિભાગમાં ખૂંખાર દિપડાનું વસવાટ હોવાને લઈને વનકર્મીઓ દ્વારા રાત દિવસ પહેરો કરવામાં આવી રહ્યો છે. દિવસ હોય કે રાતના સમયે ખૂંખાર દિપડો કોઈ જીવનું મારણ ન કરે તે માટે વન વિભાગની સતત દેખરેખ રાખવામાં આવતી હોય છે અને માનવ કર્મીઓ દ્વારા આવા ખૂખાર દિપડાની તેમજ હિંસક પ્રાણીઓની ગામમાં પ્રવેશ બંધી અટકાવવા માટે ચારે તરફ ફેન્સીંગ વાડ કરવાની હોય છે. અને સરકાર અવારનવાર ફેન્સીંગ વાડ બાંધવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટ વન વિભાગ કર્મીઓ દ્વારા પૂરતી કાચી રાખવામાં નહીં આવીને આવા ફેન્સીંગ વાડમાં ગાબડુ પાડીને માનવભક્ષી દિપડો ગામમાં પ્રવેશ કરીને આવા માસૂમ બાળકોનો ભોગ બનાવી રહ્યા છે. વન વિભાગમાં સુરક્ષામાં ગાબડું પાડવામાં આવીને પોતાની ફરજ ચૂકતા વન કર્મીઓ સામે ગ્રામજનો દ્વારા નારાજગીની લાગણી વ્યાપી છે.

વન વિભાગની નજીક સરકારે વસવાટ માટે જમીન ફાળવી હતી…..

ઘોઘંબા તાલુકો એક આદિવાસી તાલુકો ગણવામાં આવી રહ્યો છે. વર્ષો પૂર્વે આવા વન વિભાગની નજીક ગામ વસાવવામાં આવ્યું હતું. આજે આઝાદીના ૭૦ વર્ષ થયા છે અને આવા ગામની આસપાસ આવેલા વન વિભાગમાં ખૂંખાર દિપડાનો વસવાટ થઈ રહ્યો છે. વર્ષો પૂર્વે ગામ વસાવવામાં આવીને આજે આબાદી વધી રહી છે. તેની સામે વન વિભાગની ખૂંખાર પ્રાણીઓની વસ્તી વધી રહી છે. અને વન વિભાગમાં રહેતા માનવભક્ષી દિપડા ખોરાકની શોધમાં છેક માનવ વસવાટ ધરાવતા ગામમાં પ્રવેશ કરીને નિર્દોષ બાળકોનો શિકાર કરે છે. જે તે સમયે આવી અસુરક્ષીત વિસ્તારોમાં માનવ વસવાટ કરવાના બદલે અન્ય જગ્યાએ જમીન ફાળવીને વસવાટ આપ્યો હોત તો માનવ સુરક્ષા મહેસુસ કરી રહ્યા હોત. વન વિભાગ દ્વારા અસુરક્ષીત ગણાતી જગ્યાની જાળવણી કરવાની સાથે માનવભક્ષી દિપડો ગામમાં ન પ્રવેશે તે માટે કાળજી રાખવાની હોય છે. પરંતુ આવા વનકર્મીઓ દ્વારા ફરજમાં ચૂક કરાઈ રહી છે.