પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત ઘોઘંબા ખાતે ભાજપની બેઠક યોજાઈ

રિપોર્ટર : યોગેશ કનોજીયા

ઘોઘંબા,
ઘોઘંબા તાલુકા પંચાયત હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાથમિક સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત પંચમહાલના સાંસદ તથા કાલોલના ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં જ 18 વર્ષ પૂર્ણ કરી નવા મતદાર બનેલા ભાઈઓ બહેનો ભાજપની સદસ્યતા મેળવે તે હેતુસર ઘોઘંબા ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તથા ધારાસભ્ય સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં નવા મતદારો ભાજપની પ્રાથમિક સદસ્યતા મેળવે તે માટે ભાજપના કાર્યકરોને મોબાઈલ એપ્લિકેશનમાં રજીસ્ટર કેવી રીતે કરવું તેની સમજણ આપવામાં આવી હતી. ભાજપ હાલમાં સૌથી વધુ સદસ્યો ધરાવતી પાર્ટીનો રેકોર્ડ ધરાવે છે. ત્યારે નવા મતદારોને જોડી ભાજપ પરિવારને વિશાળ પરિવાર બનાવવાની હકાલ કરી હતી.
આજની બેઠકમાં સાંસદ રતનસિંહ રાઠોડ, કાલોલના ધારાસભ્ય તથા પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, છેલુભાઈ રાઠવા, ગુણવંતસિંહ ગોહિલ, ભીખાભાઈ સોલંકી, જયપાલસિંહ રાઠોડ વગેરે ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.