ધોધંબા, ઘોઘંબા તાલુકા ગુજરાતી શાળા ખાતે આઇટીએમ મેડિકલ હોસ્પિટલ અને ડો.હેડગેવાર સેવા સમિતિ દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આઇટીએમ ના જનરલ ડો. મીનુ પટેલ, ડો. તરૂણ વર્મા, દાંતના ડોક્ટર રાધિકાબેન,ઓર્થોપેડિક ડો. તરૂણ વર્મા, જનરલ ફિઝિશિયન ડો. હાર્દિક વર્મા, પંચકર્મ નિષ્ણાત ડો.ધારા સુથાર દ્વારા ઘોઘંબા ગામ તથા આસપાસના ગામડાઓના 240 જેટલા વિવિધ રોગો ધરાવતા લોકોને વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ દરેક રોગોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાડકાના દર્દીઓ તથા જનરલ મેડિસિન જરૂરિયાત ધરાવતા દર્દીઓની સ્થળ પર તપાસ કરીને સારવાર કરવામાં આવી. જે લોકો ગામડાઓમાં દૂર દૂર સુધી વસતા હોય અને પોતાની શરીરની પીડાઓ બહાર ન લાવી શકતા હોય તેવા દર્દીઓએ પણ આ કેમ્પમાં હાજર રહી અને મફતમાં સારવાર લીધી હતી તથા આરોગ્ય લક્ષી તપાસ કરાવી અને વિવિધ જરૂરી સારવાર માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું. દરેક દર્દીઓએ રાહત માટે આનંદ અનુભવ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં ઘોઘંબા ગામના આગેવાનો તથા સામાજિક કાર્યકરોએ હાજર રહીને સંપૂર્ણ સહકાર આપ્યો હતો તથા મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે અને દર્દીઓને મફત સારવાર મેળવે તે માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.