ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તથા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, આરોગ્ય તેમજ ખેતીલક્ષી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે પંચમહાલ સાંસદ તથા કાલોલ ધારાસભ્યની આગેવાનીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કામો તથા વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપી હતી તેમજ આ વખતે ભાજપ લોકસભામાં 400થી વધુ સીટો લાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે સરકાર દ્વારા આરોગ્ય લક્ષી તથા શિક્ષણ માટેના કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં ખેતીવાડી, આરોગ્ય વિભાગ, ગ્રામ વિકાસ, મિશન મંગલમ, આઈ.સી.ડી.એસ, ઉજ્વલા યોજના લીડ બેંક દ્વારા સ્ટોલ લગાવી સાજોરા ગામના લોકોને વિવિધ યોજનાઓના લાભ આપ્યા હતા. આજના કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, ઘોઘંબા એપીએમસીના ચેરમેન, સરપંચો તથા ભાજપના કાર્યકરો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળિકાઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ફતેસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ અને યોજનાઓની ગ્રામજનોને તેમની ભાષા માંજ સમજાવી વડાપ્રધાનને જીતાડવા માટે અને ભાજપની સરકાર લાવવા માટે આહવાન કરતા કાર્યક્રમ હાજર 500 થી વધુ લોકોએ બંને હાથ ઉઠાવી ભાજપને જીતાડવા માટે ફતેસિંહ ચૌહાણની આ હાકલને જય શ્રી રામ ના નારા સાથે વધાવી લઈ તેમને સમર્થન આપ્યું હતું.