ઘોઘંંબા,પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ નામની કેમિકલ કંપનીમાં ગત ડિસેમ્બર 2021માં જે દુર્ઘટના બની હતી. તે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની જાહેરાત કંપની અને સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અને કેમિકલથી દાઝી ગયેલા એક કામદારને ચૂકવવામાં આવેલું વળતર કામદારને મળ્યું ન હોવાની રજૂઆત કામદારે કરી છે. તો આ ચૂકવવામાં આવેલું વળતર કોણે ચૂકવવામાં આવ્યું તે પણ એક તપાસનો વિષય છે. આજે હાલોલ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે આવીને આ કામદારે હાલોલ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી અને તેને મળવા પાત્ર વળતર મળે તે માટે દરગુજર કરી હતી. તો આમ આદમી પાર્ટીએ આ દુર્ઘટનાના દોઢ વર્ષે પણ કોઈ નક્કર અને ન્યાયિક તપાસ ન થતા કંપનીના માલિક સામે માનવ હત્યાનો ગુનો નોંધવામાં કેમ ન આવ્યો તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ નામની કંપનીના એક કેમિકલ પ્લાન્ટમાં ગત ડિસેમ્બર 2021માં વહેલી સવારે મોટો બ્લાસ્ટ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં સાતથી વધારે લોકોના મોત નીપજ્યા હતા અને અનેક લોકો કેમિકલની આગમાં દાઝી જતાં તેઓને હાલોલ ખાનગી હોસ્પિટલમાં બે મહિના સુધી લાંબી સારવાર લેવી પડી હતી.
કંપની અને સરકાર દ્વારા દુર્ઘટનામાં મોતને ભેટનાર કામદારો અને ઇજાગ્રસ્ત કામદારોને 25 લાખ અને દસ લાખ સુધીના વળતરની જાહેરાત કરવામાં આવી હતી અને પરંતુ સરકારી દફતરે ચૂકવવામાં આવેલું આ વળતર કામદારો સુધી પહોંચ્યું ન હોવાની વિગતો સપાટી પર આવતા આમ આદમી પાર્ટી હાલોલ દ્વારા આવા એક કામદારને ન્યાય અપાવવા અને કંપનીના માલિક સામે માનવ હત્યાનો ગુનો નોંધાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જીએફએલ કંપનીમાં દુર્ઘટના સર્જાઇ તે સમયે ઘોઘંબા તાલુકાના વડોદ ગામનો અરવિંદ દલસિંગભાઈ રાઠવા જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો તે પ્લાન્ટમાં નીચેના હિસ્સામાં કામ કરી રહ્યો હતો. કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટની દુર્ઘટના સર્જાતા ઉપર કામ કરી રહેલા કામદારોના મૃતદેહો હવામાં ફંગોળાયા હતા. જ્યારે નીચે કામ કરી રહેલા કામદારો ઉપર જવલનશીલ કેમિકલ પડતા તે ગંભીર રીતે દાઝ્યો હોઈ તેને હાલોલની મા સર્જીકલમાં દોઢ મહિનો સુધી સારવાર લીધી હતી. દુર્ઘટના બાદ ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના અનેક રાજકીય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કંપની દ્વારા પણ મૃતકોને અને ઇજાગ્રસ્તોને મફત સારવાર સહિત કંપનીમાં પરત નોકરીએ લેવાની અને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઘોઘંબાના આ આદિવાસીને કંપની કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું વળતર આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી.
હાલોલ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આરટીઆઇમાં માહિતી માંગતા તેઓને મળેલી વિગતમાં આવા ઇજાગ્રસ્ત કામદારોને વળતર ચૂકવાઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘોઘંબાના વડોદ ગામના અરવિંદ રાઠવાને પણ વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાનું ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને જણાવવામાં આવતા આ આદિવાસી કામદાર અરવિંદ રાઠવાને ચુકવવામાં આવેલું વળતર ખરેખર કોણ ખાઈ ગયું? તે અંગેની તાપાસ કરવા જિલ્લા કલેકટર અને હાલોલ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને વધુમાં જેટલા કામદારોને વળતર ચૂકવવામાં આવ્યું છે. તે વળતર ખરેખર કામદારો સુધી પહોંચ્યું છે કે, કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ અને આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ થતી નથી, તે પણ થવી જોઈએ અને કંપનીના માલિક સામે માનવ હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરી છે.