ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના સીમળીયા ગામના આંબલી ફળિયામાં દિપડાએ એક જ દિવસમાં ચાર સ્થળોએ ધરમાં ધુસી હુમલાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન એક વૃદ્ધા અને એક કિશોરીને દિપડાએ ઈજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે રહિશો નિંદ્રામાંથી જાગીને બુમરાણ મચાવતા દિપડો જંગલ તરફ ભાગી છુટ્યો હતો. આ ધટનાની જાણ થતાં રાજગઢ આરએફઓ ટીમ સ્થળ ઉપર દોડી આવી દિપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જોકે આ વિસ્તારમાં વર્ષોથી દિપડો વસવાટ કરે છે. પરંતુ રહેણાંક મકાનમાં આવી હુમલો કરવાની પ્રથમ ધટના બનતા અહિંના રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને મહિલાઓ ખેતરમાં જવાનુ પણ ટાળી રહી હોવાનુ જણાવતા વહેલી તકે દિપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી કરાઈ રહી છે.
ઘોઘંબા તાલુકાના સીમળીયા ગામનુ આંબલી ફળિયુ નાની નાની ડુંગરીઓની નજીકમાં આવેલુ છે. પરંતુ અહિં વર્ષોથી દિપડો વસવાટ કરતો હોવા છતાં હાલ સુધી કોઈ પણ વ્યકિતને ઈજાઓ પહોંચાડવાની કે ધરમાં ધુસી હુમલો કરવાની ધટના બની નહોતી. અચાનક મળસ્કે દિપડો અહિં આવેલા રહેણાંક મકાનોમાં ધુસી ગયો હતો. અને એક વૃદ્ધા તેમજ એક કિશોરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. દિપડાએ વૃદ્ધાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જયારે કિશોરીને હાથ અને સાથળના ભાગે ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત દિપડાએ અન્ય બે મકાનની ઓસરીમાં પણ ધુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહિંના રહિશો નિંદ્રાધિન અવસ્થામાંથી સફાળા જાગી ઉઠ્યા હતા અને બુમરાણ મચાવતા જ દિપડો જંગલ તરફ ભાગી છુટ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત કિશોરી અને વૃદ્ધાને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જયાં સારવાર બાદ હાલ મહિલા વૃદ્ધા અને કિશોરીની તબિયત એકદમ સુધારા ઉપર હોવાનુ જાણવા મળ્યુ હતુ. પ્રથમવાર દિપડો રહેણાંક વિસ્તારમાં આવી મકાનમાં ધરઆંગણે ધુસી જઈ હુમલો કરવાની ધટના બનતા જ અહિંના રહિશોમાં ભય ફેલાયો છે.