ઘોઘંબાના સીમાલિયાના શ્રી રાજખુશી ભારતગેસ એજન્સીના ગોડાઉનમાં HP ગેસના બાટલા સહિત DSOએ રૂા.10.21 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો

ઘોઘંબા,ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે આવેલા અને ઘોઘંબા તથા જાંબુઘોડા તાલુકામાં રાંધણ ગેસના બાટલાઓ પુરા પાડતી શ્રીરાજખુશી ગ્રામીણ ગેસ એજન્સીના સીમાલિયા ખાતેના ગોડાઉન ઉપર જિલ્લા પુરવઠા અધિકારીએ છાપો મારી તપાસ હાથ ધરતા ભારતગેસની એજન્સીની આડમાં એચપી ગેસનો કારોબાર ચલાવવમાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમ્યાન ગોડાઉનમાં અનઆધિકૃત રીતે રાખવામાં આવેલો ઘરેલુ રાંધણ ગેસના 142 બાટલોનો જથ્થો મળી આવતા 10 લાખ 21 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એજન્સીના સંચાલકો દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું સામે આવતા કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણા ગઈકાલે શુક્રવારે સાંજે ઘોઘંબા અને જાંબુઘોડાના હજારો ઘરેલુ રાંધણ ગેસના બાટલો ધરાવતા ગ્રાહકોને અને ઉજ્જવલા ભારત યોજના હેઠળના ગ્રામીણ ગ્રાહકોને ગેસના બાટલાની સર્વિસ આપતી ઘોઘંબા તાલુકાના સીમાલિયા સ્થિત રાજખુશી ગેસ એજન્સીમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન ગેસ એજન્સી ચલાવતા ભાગીદારી પેઢીના સંચાલકો કે, જેઓ ગોધરાના પૂર્વ સાંસદ અને કાલોલના પૂર્વ એમએલએ પ્રભાતસિંહ ચૌહાણના દીકરી દયામતીબેન દેવેન્દ્રસિંહ સોલંકી તેમજ જમાઈ દેવેન્દ્રસિંહ નરવતસિંહ સોલંકીએ શ્રીરાજખુશી ગ્રામીણ એજન્સીના નામે ભારતગેસના બાટલાની સર્વિસ અપવાની આડમાં અનઅધિકૃત રીતે એચપી ગેસના બાટલા સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે.

પુરવઠા અધિકારીની ટીમને ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા એચપી ગેસના 14.2 સલના 142 બાટલા સહિત 10 લાખ 21 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. તેમજ ગોડાઉનમાં ભારત ગેસના પણ અલગ અલગ 5 સલ, 14.2 kg અને વ્યવસાયિક 19 kgના કુલ 457 બાટલાની ઘટ માલુમ પડી હોવાનું એટલે કે આ બાટલા કનેક્શન ધારકો સિવાયના સ્થળે સબસીડી સેટ કરવા વપરાશ કરવા આપવામાં આવ્યા હોવાની શંકાઓ સેવાઈ રહી છે. જ્યારે અન્ય પણ કેટલાક પ્રકારની ગેરરીતિઓ આ એજન્સીમાં તપાસ દરમ્યાન સામે આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.