ઘોઘંબાના રીછવાણીમાં ખાનગી વેપારીના દુકાનમાંથી સરકારી અનાજના 14 કટ્ટા જિલ્લા પુરવઠા અધિકારીએ ઝડપ્યા

ઘોઘંબા, પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા તથા તેમની ટીમ દ્વારા ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે આવેલ ખાનગી વેપારી રીયાઝખાન રશીદખાન મકરાણીની છુટક અનાજની દુકાન પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ડીએસઓ એચ.ટી.મકવાણા દ્વારા દુકાનમાં તપાસ કરતા દુકાનમાં સરકારી ફોર્ટીફાઈડ તથા પારાબોઈલ્ડ ચોખાના 10 કટ્ટા આશરે 450 કિગ્રા તથા સરકાર ધઉંના 4 કટ્ટા આશરે 200 કિગ્રા મળીને કુલ 14 સરકારી અનાજના કટ્ટા મળી આવ્યા હતા. તેમજ તપાસમાં સંચાલક રીયાઝખાન રશીદખાન મકરાણી દ્વારા અનઅધિકૃત રીતે સરકારી ચોખા, તથા ધઉંનો ખરીદ, વેપાર તથા સંગ્રહ કરતા હોવાનુ જણાતા કુલ રૂ.22,950/-નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. વધુમાં દુકાનદાર દ્વારા ડાંગરનો સ્ટોક સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન ન કરી જથ્થો જાહેર કરેલ ન હોવાથી પુરવઠા વિભાગે ખાનગી વેપારી સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.