ઘોઘંબાના પાલ્લાના રહિશને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

હાલોલ, ઘોઘંબાના પાલ્લા ગામના અમજતઅલી મહંમદઅલી મકરાણીનો પુત્ર આરીફે શ્રીરામ ટ્રાન્સ્પોર્ટ ફાયનાન્સ કંપની હાલોલ શાખામાંથી હાયર પરચેઝ ધિરાણ મેળવ્યુ હતુ. જે લોનના હપ્તા નિયમિત રીતે નહિ ભરાતા ફાયનાન્સ કંપનીએ લોનની બાકી પડતર રકમની માંગણી કરતા આરીફ મકરાણીના પિતા અમજતઅલીએ કંપની સાથે સમાધાન કરી પોતાની એસ.બી.આઈ.ઘોઘંબા શાખાનો રૂ.10,12,444નો ચેક આપેલ હતો. પરંતુ ફરિયાદી કંપનીએ જે ચેક જે તે તારીખે તેમના એકાઉન્ટમાં જમા કરતા આરોપીના ખાતામાં ફંડ ન હોવાથી ચેક પરત ફર્યો હતો. આ અંગે કેસ હાલોલની એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ વૈભવ વસંત મોઢની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. આ ઉપરાંત ફરિયાદીને તેના વળતર રૂપે રૂ.15,00,000(પંદર લાખ)દિ-30માં ચુકવી આપવા હુકમ કરેલ છે.