ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના પાધોરા ગામે ટેકરા ફળિયામાં અંદાજિત 25 જેટલા ધર આવેલા છે. અહિં રહેતા રહિશોને પાણી માટે સવાપુરા તથા ખાનગી માલિકોના બોર તથા કુવા ઉપર જવુ પડે છે. સરપંચને રજુઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલા લાવતા નથી. જેથી ટેકરા ફળિયાની મહિલાઓ દ્વારા પાણીના ગીતો ગાઈ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે માટલા ફોડ્યા હતા.
પાધોરા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં યોજનાનુ કામ ડુંગર ફળિયાને છોડીને બીજા ફળિયામાં કરવામાં આવ્યુ છે. ફળિયાના હેન્ડપંપ તથા બોર બંધ હોય મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે. ટેકરા ફળિયાની 30 જેટલી મહિલાઓ ઘોઘંબા પંચાયત ખાતે આવી માટલાઓ ફોડી ટેન્કર દ્વારા પાણી આપવાની માંગ કરી હતી. માણસ તો માણસ પણ પશુઓને પણ પાણી માટે વલખા મારવા પડે છે. પશુ પાલન ઉપર નભતા આદિવાસીઓનો આખો દિવસ પાણી ભરવામાં પસાર થઈ જાય છે. મહિલાઓ પશુ માટે પાણી લેવા જાય તો ધાસચારો લેવા કયારે જાય. વહેલામાં વહેલી તકે ફળિયામાં પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવવા મહિલાઓ રણચંડી બનીને માટલા ફોડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જયારે મહિલાએ તાલુકા કચેરી ખાતે રજુઆત કરવા ગઈ હોવાની જાણ તલાટીને થતાં ટેકરા ફળિયામાં જઇ સર્વે કરી પાધોરામાં મંજુર કરવામાં આવેલ બોર ટેકરા ફળિયામાં મુકાવી તેમજ અન્ય બોર ઉંડો કરી પાણીના પ્રશ્ર્નનો તાત્કાલિક નિકાલ આપવાની બાંહેધરી તલાટીએ ખાતરી આપવામાં આવી હતી.