ઘોઘંબાના નવાનગર સરપંચ વિરુદ્ધ પાંચ સભ્યો દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત લવાઈ

ઘોઘંબા,

ઘોઘંબા તાલુકાના નવાનગર ગામના સરપંચ કેતનભાઈ રમેશભાઈ રાઠવા સામે પંચાયતના ચુંટાયેલા સભ્યો પૈકી પાંચ સભ્યો દ્વારા અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ પંચાયતના કુલ આઠ સભ્યો હતા. જેમાંથી બે સભ્યોને બે કરતા વધારે સંતાન હોવાથી તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. અને બાકીના છ સભ્યો પૈકી પાંચ સભ્યો રાઠવા મનીયાભાઈ રૂપસિંગ, ચંપાબેન અર્જુનભાઈ, રમીલાબેન કનુભાઈ, રાળીબેન દશરથભાઈ તથા મહિતભાઈ રાઠવાએ સરપંચ સામે અસંતોષ જાહેર કરતા ચકચાર મચી જવા પામી છે. અસંતુષ્ટ સભ્યોએ આક્ષેપ લગાવ્યા છે કે, સરપંચ કેતનભાઈ દ્વારા સભ્યોની કોઈ વાત માનવામાં આવતી નથી. અને પોતાની મનમાની રીતે પંચાયતનો વહીવટ ચલાવે છે. તેમજ પોતાના લાગતા વળગતા મળતિયાઓને લાભ કરાવવા માટે પક્ષપાત ભર્યુ વલણ દાખવતા હોવાથી ગ્રામજનોમાં તેમજ પોતાના વોર્ડમાં મતદારો સામે ખોટા પડતા હોવાની લાગણી અનુભવી રહ્યા છીએ તેવા આક્ષેપો કર્યા હતા. છેલ્લા છ મહિનાથી અનેકવાર સરપંચને રજુઆત કરવામાં આવતા સરપંચ કેતનભાઈ દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવી રહ્યા હોવાથી ના છુટકે તેઓની સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી હોવાનુ સભ્યોએ જણાવ્યુ હતુ.