ઘોઘંબાના લાબડાધરા ગામે ઝોલાછાપ બોગસ તબીબ ઝડપાયો

ગોધરા એસ.ઓ.જી.પોલીસે ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામેથી ડિગ્રી વગર દવાખાનુ ચલાવનાર પરપ્રાંતિય ઈસમને એલોપેથિક દવાઓના જથ્થા સાથે તેમજ મેડિકલ સાધનો સાથે ઝડપી પાડ્યો હતો.

ગોધરા એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટર આર.એ.પટેલને જિલ્લાના પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનુ ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઈસમોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અંગે સુચના આપી હતી. જેમાં ગોધરા એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટર દ્વારા એસ.ઓ.જી.પોલીસ શાખાની અલગ અલગ ટીમો બનાવી પી.એસ.આઈ.આર.એન.પટેલ તેમજ ડી.જી.વહોનીયા તેમજ સ્ટાફને ઉપરોકત મામલે બાતમી હકીકત મેળવી કામગીરી કરવા સુચના આપી હતી.

જેમાં ઉપરોકત સુચનાના આધારે એસ.ઓ.જી.પોલીસની ટીમે મેડિકલ ઓફિસર ટીમને સાથે રાખી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામે ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં ગામમાં એક બોગસ ડોકટર કોઈપણ જાતની મેડિકલની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનુ ચલાવતા દિપંકર નીરમલ સરદર(રહે.મુળ ગાજીપુર, તા.ગોપાલ નગર, જિ.નોર્થ ચોવીસ પરગણા,પ.બંગાળ)ને એલોપેથિક દવાઓ તેમજ ઈન્સ્ટુમેન્ટ મળી રૂ.10,383/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અને બોગસ તબીબ વિરુદ્ધ રાજગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.