ઘોઘંબામાં કરોડોના ખર્ચે બનતા રોડની કામગીરી પુરી થાય તે પહેલા ખાડાઓ

પંચમહાલ સહિત રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણીના ભરાવા સાથે નુકસાન પહોંચ્યુ છે. ત્યારે ઘોઘંબા ફાટકથી મેઈન રોડ સુધી કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહેલો રોડ હજુ પુરા થયા જ નથી. ત્યાં ઠેર ઠેર ખાડા પડી જતાં વાહનચાલકો સહિત રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાકટર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા રોડની ગુણવત્તા અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ફકત માટીનુ પુરાણ કરવામાં આવતા ઘોઘંબાના રસ્તાઓ ચાંદની ધરતી જેવા જોવા મળી રહ્યા છે. આ રોડ ઘોઘંબા, હાલોલ, ગોધરા અને વડોદરાથી આવતાલ લોકો માટે ખુબ જ ઉપયોગી છે. રસ્તા પર માટીનુ પુરાણ કરાતા દરરોજ કેટલાય વાહનો ફસાતા હોય છે. બાઈક ચાલકો સ્લિપ ખાતા હોય છે. ત્યારે આ રોડ પર તંત્ર દ્વારા વહેલી તકે ડામર અને કપચીથી ખાડા પુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.