ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ગુંદી ગામે હત્યાના પ્રયાસના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને 10 વર્ષની કેદની સજા અને રૂ.5 હજારનો દંડ હાલોલ ખાતેની બીજી એડિ.સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
ગુંદી ગામે રહેતા ભોપતભાઈ હિંમતભાઈ બારીયાએ ફરિયાદીને જણાવ્યુ હતુ કે,તમે ધુળેટીનો બકરો કાપ્યો છે તેમા મને શાક લેવા કેમ બોલાવ્યો નથી તેમ કહી ફરિયાદીને અપશબ્દો બોલતા ફરિયાદીના દાદા હિરાભાઈ વજેસિંહ બારીયા ઝધડો સાંભળી ત્યાં આવી ભોપતભાઈ હિંમતભાઈ બારીયાને ઠપકો આપ્યો હતો. જેથી ભોપત હિંમતભાઈ બારીયાએ હિરાભાઈને સાલા ડોસા તુ કેમ વચ્ચે બોલે છે આજે તો તને પતાવી નાંખવાનો છે. તેમ કહી તેના ધરમાંથી ધારીયુ લઈ આવી હિરાભાઈને મારી નાંખવાના ઈરાદે ધારીયુ મારતા ડાબા કાનથી નીચેના ભાગે વાગતા ડાબા જડબાથી ગરદનના ભાગ સુધી ઈજાઓ પહોંચાડી હતી. ભોપતભાઈ હિંમતભાઈ બારીયા હિરાભાઈને જીવલેણ ઈજાઓ પહોંચાડી ત્યાંથી ભાગી જતા કાળુભાઈ મોકાભાઈ બારીયાએ તેનો પીછો કરતા કાળુભાઈને ભોપતભાઈ હિંમતભાઈ બારીયાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે દામાવાવ પોલીસ મથકે ગુનો નોંધાતા આરોપી ભોપત હિંમતભાઈ બારીયાની અટકાયત કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. બાબતે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેના બીજા ડિસ્ટ્રિકટ સેશન્સ જજ એસ.સી.ગાંધીની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપરના પુરાવાનો ઘ્યાને લીધા બાદ મદદનીશ સરકારી વકીલ આર.વાય ત્રિપાઠીની દલીલો તથા ફરિયાદીની પંચોની તથા અન્ય સાહેદોની તથા તપાસ કરનાર અમલદારની જુબાનીના આધારે વિગતવારની દલીલો કરી હતી. જે દલીલો સાંભળ્યા બાદ આરોપી ભોપતભાઈ હિંમતભાઈ બારીયા હત્યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સાદી કેદની સજા તથા આરોપીને રૂ.5 હજારની રકમનો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ છ માસની સજા તથા ધમકી આપવાના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા તથા અન્ય ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.