ધોધંબાના ફરોડ ગામે પોસ્ટ ઓફિસમાં મહિલા વિધવા પેન્શન અને બચત ખાતાના નાણાં મેળવવા હોબાળો મચાવ્યો

ધોધંબા, ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં આજરોજ મહિલાઓએ વિધવા પેન્શન અને બચત ખાતાના નાણા મેળવવા માટે હોબાળો મચાવ્યો હતો. પોસ્ટમાસ્ટર મહેશ પરમાર સામે ગેરરીતિ કરી કાળી મજૂરી કરી ભેગા કરેલા તેઓના નાણા બારોબાર ઉપાડી લીધા હોવાના આક્ષેપ કર્યો હતો. પોસ્ટ માસ્તરે છેલ્લા કેટલાય મહિનાથી વિધવા સહાયના નાણાં ચૂકવ્યા નથી તથા બચત ખાતામાં રોજબરોજ જમા કરાવતી મહિલાઓના ખાતામાંથી નાણા બારોબાર ઉપાડી લીધા હોવાનો બળાપો ઠાલવ્યો હતો. પોસ્ટ માસ્તર વિધવા સહાય તથા બચત ખાતા ધરાવતી મહિલાઓની પાસબુક તેની પાસે રાખતો હતો જેથી ખાતામાં મન ફાવે તેવા ફેરફાર કરી શકાય.

  • પોસ્ટ માસ્તરે બારોબાર ખાતાઓ માંથી ઉપાડી લીધાનો આક્ષેપ.
  • પોસ્ટ માસ્તર પોસ્ટ ખાતાની પાસબુક પોતાની પાસે રાખતો હતો.

ફરોડ પોસ્ટ ઓફિસમાં ખરખડી, ફરોડ, વાડીનાથ અને લાલપુરી ગામની 250 જેટલી વિધવા તથા 200 જેટલી બચત ખાતા ધરાવતી મહિલાઓ લેવડદેવડ કરે છે. વિધવા મહિલાઓને છેલ્લા ત્રણ મહિનાથી સહાયના નાણા આપેલ નથી. તથા બચત ખાતા ધરાવતી મહિલાઓના ખાતામાંથી નાણા બારોબાર ઉપાડી લીધેલા છે. એક મહિલાના મોબાઇલ ઉપર નાણા ઉપડી ગયાનો મેસેજ આવ્યો ત્યારે મહિલાને ખબર પડી કે નાણાં ઉપડી ગયા છે. જ્યારે મોટાભાગની મહિલાઓ પાસે મોબાઇલની સુવિધા નથી. તેઓના નાણા ઉપડી ગયા હશે તેની જાણ પણ તેમને નથી. નાણાં ઉપાડી લીધા હોવાને ખબર ગામમાં થતા મહિલાઓએ પોસ્ટ ઓફિસમાં આવી હલ્લો મચાવી તેમના નાણા તથા ચોપડીની માંગણી કરી હતી.

મહિલાઓના હોબાળાને લઇ હાલોલ થી પોસ્ટ અધિકારી દોડી આવ્યા તેમણે લાભાર્થીઓને પૂછપરછ કરી લોક રજૂઆત સાંભળી હતી. ગ્રામજનોએ પોસ્ટમાસ્તર સમયસર આવતા નથી, તેમજ ફરજ ઉપર કેફી પીણાનું સેવન કરી આવતા હોવાનું અધિકારીને જણાવ્યું હતું. 400 જેટલી મહિલાઓના લાખો રૂપિયા હજમ કરનાર પોસ્ટ માસ્તર સામે ઉપલા અધિકારી શું પગલાં ભરે છે તે તો જવું જ રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફરોડ પોસ્ટ ઓફીસમાં કૌભાંડ બહાર આવ્યું છે અને ગ્રામજનો ભેગા થઈ નાણાં અને ચોપડીઓની માંગણી કરી રહ્યા વિધવા સહાયની પણ પૂછ પરછ કરી રહ્યા, ત્યારે ઘોઘંબા તાલુકાનાં અન્ય પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર આ કૌભાંડીની મદદે દોડી આવ્યા હતા તથા હાલોલના અધિકારીઓ પણ પોસ્ટ માસ્તરને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ભ્રષ્ટ પોસ્ટ માસ્તરને બચાવવામાં લાગેલું તંત્ર શંકા ઉપજાવે છે શું આ કૌભાંડ માં ઉપલા અધિકારીઓએ તો સામેલ નથી ને પોસ્ટ અધિકારીઓ “લૂટીને લાવો વહેચીને ખાઈએ”?? તે દિશામાં તો નથી ને.