ધોધંબા,
ઘોઘંબા તાલુકાના ભણપુરા અને નવાગામ વચ્ચે બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક બાઈક સ્લીપ ખાઈ જતાં થયેલા અકસ્માતમાં બાઈક ચાલક અને અન્ય એક ઘવાયા હતા. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘોઘંબાના આદિવાસી વિસ્તારમાં હોળી દરમ્યાન અકસ્માતોના પ્રમાણમાં વધારો થવો એ સામાન્ય વાત છે. આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી લગભગ ગામડાઓના લોકો હોળીના તહેવારનો ઉત્સવ ઉજવવાના ઉત્સાહમાં ફરતા હોય છે, એટલે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. આજે બપોરે ઘોઘંબા તરફ જઈ રહેલી બે બાઇકો રેસમાં લાગી હોય તેમ જતા બંને બાઈક વચ્ચે સામાન્ય ટક્કર થઈ જતા પાછળ ચલાવી રહેલા બાઈક ચાલકનો બાઈક ઉપર કાબુ ન રહેતા બાઈક રોડ ઉપર ધસડાઈ હતી.
રોડ ઉપર બાઈક પટકાતા ચાલક અને સવાર બંનેને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રોડ ઉપર અકસ્માતને પગલે લોકો એકઠાં થઇ ગયા હતા. અકસ્માત જોનારાઓએ જણાવ્યું હતું કે, બંને બાઈકો એક તરફની દિશામાં જ જઇ રહી હતી અને પુરઝડપે હંકારીને જઈ રહ્યા હતા. જે બંને વચ્ચે ટક્કર થતા અકસ્માત થયો હતો.