ઘોઘંબાના ભાણપુર પંચાયતમાં મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો તપાસ કરવા ગ્રામજનોની રજુઆત

  • ટીડીઓને ત્રણ દિવસમાં રિપોર્ટ રજુ કરવા નોટિસ

ગોધરા, ગુજરાત પંચાયત અધિનિયમ-1993 મુજબ 50 ટકા ગ્રામ પંચાયતોમાં મહિલા અનામતને કારણે પંચમહાલ જિલ્લાની 550 થી વધુ ગ્રામ પંચાયતમાંથી 50 ટકા ગ્રામ પંચાયતોમાં મહિલાઓ સરપંચ પદ પર ચુંટાઈ છે. આમાંથી મોટાભાગની મહિલા સરપંચનો વહીવટ તેમના પતિ એટલે કે સરપંચ પતિ દ્વારા કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી.

ત્યારે પંચમહાલ જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓ સહિતની ટીમ ભાણપુરા ગામે વિકાસના કામોની તપાસણી માટે ગયા હતા. જયાં ગ્રામજનોએ ગ્રામ પંચાયતનો વહીવટ મહિલા સરપંચનો પતિ વિજયસિંહ ભારતસિંહ પરમાર કરતો હોવાની રજુઆત કરીને ગ્રામસભાના ફોટોગ્રાફ, વીડિયોગ્રાફી સહિતના પુરાવા સાથે રજુઆત નાયબ ડીડીઓને કરી હતી. જે સરપંચ પતિનો વહીવટ દેખીને અચંબિત થઈ ગયા હતા. સરકારે લાખો રૂપિયાની ગ્રાન્ટ ગામના વિકાસ માટે આપતી હોય છે ત્યારે આ ગ્રાન્ટનો વહીવટ ચુંટાયેલા પ્રતિનિધિ કરવાને બદલે અન્ય ત્રાહિત વ્યકિત કરે તો તે ગુનાને પાત્ર હોવાથી નાયબ ડીડીઓ દ્વારા ભાણપુરાના સરપંચ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ના.ડીડીઓએ ઘોઘંબાના ટી.ડી.ઓ.ને નોટિસ આપીને 3 દિવસમાં ભાણપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિના વહીવટ કરતો હોવાની તપાસ કરીને રિપોર્ટ સોંપવા હુકમ કર્યો છે. તેમજ જિલ્લામાં અન્ય મહિલા સરપંચવાળી ગ્રામ પંચાયતોમાં સરપંચ પતિ વહીવટ કરતો હોય તો તેની રજુઆત કચેરીમાં કરવામાં આવશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ ના.ડીડીઓએ જણાવ્યુ છે. ભાણપુરાના સરપંચ પતિ રાજયસેવક ના હોવા છતાં ગેરકાયદે રીતે રાજયસેવકની કામગીરી કરતો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ના.ડીડીઓની સરપંચ પતિઓ સામે કાર્યવાહી કરવાને લઈને જિલ્લામાં સરપંચ પતિમાં ફફડાટ ફેલાયો છે.