ઘોઘંબામાં ભગવાન શ્રી રામના જન્મદિવસે ઉત્સાહભેર રામનવમીની ઉજવણી

ધોધંબા,ઘોઘંબા ગામમાં ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં આજરોજ ભગવાન શ્રીરામના જન્મદિવસ નિમિત્તે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. માનવ જીવનના સંસારમાં સામાજિક રીતે તમામ પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધો આવતા હોય છે. મનુષ્ય વારંવાર નિરાશ થઈ જતો હોય છે અને કોઈપણ જાતના પ્રયત્નો કર્યા વગર પોતે નાશીપાસ થઈ જાય છે. સાથે સાથે વેર-વિખવાદ અને સંબંધોનો વિનાશ જાય છે. અસત્ય અહંકાર, અપ્રામાણિકતા, દુરાચાર અને કુસંસ્કૃતિ જન્મ લે છે. કળિયુગ નો સમય ચાલી રહ્યો છે. ત્યારે કલ્પના બહારના બનાવો પ્રત્યક્ષ સામે આવી રહ્યા છે. આપણે વિચારતા રહી ગયા કે શા માટે આવું થતું હશે ? ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રામાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી છે. ત્યારે ભગવાન શ્રીરામે અસૂરી શક્તિઓનો નાશ કરવા માટે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર માતા કૌશલ્યા અને પિતા દશરથના કુળમાં જન્મ લીધો હતો. આજનો માનવી પણ આ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની જીવન ચરિત્રનો મહદઅંશે અમલ કરે તો પણ તેને કોઈ જ દુ:ખો ભોગવવાનો કે હેરાન થવાનો વખત આવતો નથી. આવા સુંદર વિચારો સાથે નવ દિવસની પૂજા, વ્રત, ઉપવાસ, હવન અને દાન સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ સમિતિ, બજરંગ દળ સમિતિ તથા ઘોઘંબાના સર્વે ભક્તો, યુવાનો-મિત્રો-વડીલો-માતાઓ તથા બહેનો દ્વારા એક સાથે મળી ભગવાન શ્રીરામ, જાનકી અને લક્ષ્મણનો વરઘોડો ડીજેના તાલે અને સંગીતના સુરોમા જય શ્રી રામના નારાઓ સાથે સાથે કાઢવામાં આવ્યો હતો. નાલંદા વિદ્યાલય ઘોઘંબાના વિદ્યાર્થીઓ દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સ” નિમિત્તે ભારત દેશને આઝાદ કરવા માટે જે સ્વાતંત્ર સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યું છે. એવા મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, બિરસા મુંડા જેવા ક્રાંતિકારીઓની વેશભૂષા પહેરી અને આકર્ષણ જમાવ્યું હતું. આવરઘોડામાં ઘોઘંબા તાલુકા વહીવટી કચેરીઓમાંથી મામલતદાર તથા સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર ખડે પગે હાજર રહી સહકાર આપ્યો હતો.