પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં પાયલોટ પ્રોજેકટ હેઠળ કરવામાં આવેલી સરકાર દ્વારા મિલ્કત સર્વે કામગીરીમાં ભારે અને ગંભીર છબરડા સામે આવ્યા છે. ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, કરાડ નદીનો બ્રિજ જેવી સરકારી મિલ્કતોમાં સિટી સર્વેમાંથી મેળવવામાં આવેલા દફતર મુજબ ખાનગી માલિકના નામે હાલ જોવા મળી રહી છે. આ ગંભીર ભુલના સુધારા માટે છેલ્લા દોઢ વર્ષથી સરપંચ દ્વારા જિલ્લા કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ અસરકારક પગલા ભરવામાં આવ્યા નથી.
ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં સર્વે કામગીરીમાં થયેલા ગંભીર છબરડા અંગે સરપંચ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજુઆત કરવામાં આવી છે. તેમાં જણાવ્યા મુજબ સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરી દ્વારા નકકી કરાયેલી એજન્સીએ બારોબાર કોઈપણ જાતનો સ્થળ ઉપર પંચો રૂબરૂ સર્વે કરવાને બદલે કાગળ ઉપર ખોટો સર્વે કરી તેના આધારે હાલ ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી મિલ્કતના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક મકાનો ગેરકાયદે મકાનો જે તે સમયે ભાડા પેટે આપેલી જમીન ઉપર બનેલી છે.
જેની ગ્રામ પંચાયત દ્વારા ફકત મકાનની આકારણી કરવામાં આવી છે. પરંતુ જમીન ગ્રામ પંચાયતની માલિકીની છે. એવા અનેક મકાનો ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા છે. જેથી જો આવા મકાનોનુ મિલ્કત કાર્ડ બને અને તેમાં માલિકી હકકની સ્પષ્ટતા ન કરવામાં આવે તો ભવિષ્યમાં ગ્રામ પંચાયતની માલિકીની જમીન બાબતે માલિકી મિલ્કત સંબંધી મહત્વની કામગીરીમાં આટલી ગંભીર બેદરકારી દાખવવા બદલ જવાબદાર તમામ સામે કાર્યવાહી કરી નવેસરથી નિયમ મુજબ પંચો રૂબરૂ સાચો સર્વે કરવામાં આવે અને ત્યાં સુધી અગાઉ કરેલ ખોટા સર્વેના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.