
ઘોઘંબા,ઘોઘંબા ફાટક ઉપર આજરોજ સાંજના સુમારે બાઈક તથા ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખરખડી પાસે આવેલા દેવાપુરા ગામના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેમને વડોદરા રેફર કરવામાં આવ્યા હતા. ખરખડી પાસે આવેલા દેવાપુરા ગામના બે યુવાનો મહેશ ચૌહાણ તથા વિજય ચૌહાણ આજરોજ ઘોઘંબા હાટ બજારમાં પોતાનું કામકાજ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘોઘંબા ફાટક ઉપર આવેલા જુના પેટ્રોલ પંપની સામે હાલોલ તરફથી આવતી ફોરવીલ સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં દેવાપુરા ગામના બંને યુવાનોને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી યુવાનોને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. ઘોઘંબા રેફરલ હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠીયા જેવું લાગી રહ્યું છે. આવી ઈમરજન્સી વખતે હોસ્પિટલ કામ લાગતું જ નથી. ગામના દર્દીઓને હાલોલ, ગોધરા કે વડોદરા મોકલવા પડે છે બંને યુવાનોને 108 મારફતે તાત્કાલિક વડોદરા ખસેડયા છે. બંને યુવકની તબિયત નાજુક છે.