- માર્ગ-મકાન વિભાગની મંજુરી વગર સર્કલની કામગીરી શરૂ કરતા વિવાદ ઉભો થયો
ઘોઘંબા મામલતદાર કચેરી પાસે પોલીસ ચોકી નજીક ત્રણ રસ્તા ઉપર સર્કલ બનાવીને આદિવાસી લોક નાયક બિરસા મુંડાની પ્રતિમા મુકવાની કામગીરી રાઠ યુવા સેના દ્વારા શરૂ કરાઈ છે ત્યારે આપ પાર્ટી પ્રમુખ દ્વારા વહીવટી તંત્રને આ કામગીરી માટે માર્ગ મકાન વિભાગની મંજુરી અંગેના પ્રશ્ર્ન પુછતા અધિકારીઓ એકબીજાને આ બાબતે ખો આપતા જોવા મળ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા બહુમત આદિવાસી વિસ્તાર છે. 9 ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણીમાં તાલુકાના રાઠવા સમાજ દ્વારા બે અલગ અલગ શક્તિ પ્રદર્શન કરીને ઉજવણી થવાની છે. અને પોલીસ અભિપ્રાય મુજબ તાલુકા મામલતદાર દ્વારા ધર્ષ ઉભુ ન થાય તે માટે બંનેને અલગ અલગ સમયે સભા અને રેલીની મંજુરી આપવામાં આવી છે. 9 ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી દિવસે તાલુકા રાઠવા સમાજના સત્તાપક્ષના એક જુથ દ્વારા આદિવાસી લોક નાયક બિરસા મુંડાની પ્રતિમા મુકવાની જાહેરાત કરી છે.
આ બાબતે ઘોઘંબા મામલતદારએ જણાવ્યુ કે, આદિવાસી સમાજની માંગણી હતી કે, મામલતદાર કચેરી પાસે ત્રણ રસ્તા ઉપર લોક નાયક બિરસા મુંડાની પ્રતિમા મુકવામાં આવે એટલે તાલુકા પંચાયત કચેરીની સામાન્ય સભામાં આ એંના ઠરાવ કર્યા હતા. અને માર્ગ મકાન વિભાગ સ્ટેટના હાલોલ ડીવીઝન કચેરી ખાતે સર્કલની કામગીરી માટે મંજુરી માંગી છે. અને મંજુરીની અપેક્ષાએ સર્કલની કામગીરી શરૂ કરી છે. મંજુરી એક-બે દિવસમાં મળી જશે. મામલતદારે આ કામગીરી ઘોઘંબા ગ્રામ પંચાયત કરે છે અને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે.
જયારે ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચને પુછવામાં આવતા તાલુકા પંચાયતનો કોઈ વર્ક ઓર્ડર મળ્યો નથી. અને ત્રણ રસ્તા ઉપર પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ઘોઘંબા મામલતદાર કચેરી પાસે સર્કલની કામગીરી અંગે માર્ગ મકાન વિભાગ હાલોલ ડીવીઝનના ડે.એન્જિનીયરને પુછતા આવી કોઈ દરખાસ્ત મળેલી નથી અને જાહેર માર્ગ ઉપર આવી કામગીરી કરવા મંજુરી આપેલ ન હોવાનુ જણાવ્યુ છે. ત્યારે ઘોઘંબાથી પરોલીના માર્ગ ઉપર પાવાગઢ તરફ જતા રસ્તે સર્કલ બનાવવાની કામગીરી કોણ કરી રહ્યુ છે અને કોની મંજુરીથી તે તપાસનો વિષય તેમજ ચર્ચાનો વિષય બન્યો છે.