
તેલંગાણાના રંગારેડ્ડીમાં મોટો અકસ્માત થયો છે, અહીંની એક પ્રખ્યાત બેકરીમાં પીએનજી લાઈનમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી જેમાં 15 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યાં હતા જેમાં 6થી વધુ લોકોની હાલત ગંભીર છે કારણ કે તેઓ આખા શરીરે દાઝ્યાં છે. આ અકસ્માત રંગારેડીના ગગન પહાડમાં કરાચી બેકરીમાં થયો હતો. અકસ્માતની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની ડીઆરડીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ દુર્ઘટના અંગે માહિતી એકઠી કરી રહી છે. પોલીસ શોધી રહી છે કે આ અકસ્માત કેવી રીતે થયો અને તેની પાછળનું કારણ શું છે? તે જ સમયે, આ અકસ્માતમાં માત્ર બેકરીના કર્મચારીઓને જ ઈજા થઈ છે અને ગ્રાહકોને પણ ઈજા થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.
પીએનજી લાઈનમાં અતિ પ્રેશર હોય છે અને ઉપયોગ બાદ લાઈનનો કોક બંધ કરી દેવો પડતો હોય છે અને તો જ સલામત રહી શકાય છે, કોક ખુલ્લો રાખવાથી મોટી દુર્ઘટના બની શકે છે. બેકરી બ્લાસ્ટમાં પણ પીએનજી લાઈનનો કોક ચાલું રખાયો હોવાનું સામે આવ્યું હતું. જે લોકો પીએનજી વાપરે છે તેવો લોકોએ પણ આ ઘટનાથી ચેતવણી રાખવાની જરુર છે અન્યથા આવી દુર્ઘટના બની શકે છે.
તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ ટ્વિટર પર કરાચી બેકરી ગોડાઉનમાં બનેલી ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. સીએમઓ એક્સ હેન્ડલે માહિતી આપી હતી કે ઇજાગ્રસ્તોમાં મોટાભાગના ઉત્તર પ્રદેશના કામદારો હતા. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા 15 કામદારોને તાત્કાલિક વધુ સારી તબીબી સારવાર આપવામાં આવે.