જૂનાગઢ, જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે પુત્રવધૂના ચારિત્ર્ય પર શંકા રાખી સસરાએ હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ઘરમાં પુત્રવધૂના માથામાં બોથડ પદાર્થના ફટકા મારી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ સમગ્ર મામલાને આપઘાતમાં ખપાવવા માટે રૂમના પંખા સાથે બાંધી દીધી હતી. પરંતુ, મૃતકના ભાઈએ બનાવને લઈ શંકા વ્યક્ત કરતા લાશને જામનગર પીએમ માટે મોકલવામાં આવી હતી. જેમાં હત્યા થયાનો ખુલાસો થતાં પોલીસે સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે રહેતાં રસીલાબેનના સુરત ખાતે રહેલા પુત્રએ તેના મામાને ફોન કરીને કહ્યું હતું કે, તેના માતાનો ફોન બંધ આવે છે અને તે રૂમનો દરવાજો ખોલતા નથી. જેથી રસીલાબેનના ભાઈ રમેશભાઈ ચણાકા ગામ પહોંચ્યા હતા. ત્યારે દરવાજો બંધ હતો. ખખડાવતા અંદરથી જવાબ મળ્યો ન હતો. આ મામલે ભેસાણ પોલીસને જાણ કરતા પોલીસે આવીને દરવાજો તોડતા રૂમમાં રસીલાબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચૂંદડીનો અડધો ટુકડો રસીલાબેનના ગળામાં અને અડધો ટુકડો પંખામાં બાંધેલો હતો. પંખો પણ નીચે પડેલો જોવા મળ્યો હતો. કાનમાંથી અને જમીન પરથી લોહી મળી આવ્યું હતું.
શંકાસ્પદ લાગતા આ બનાવ અંગે રસીલાબેનના ભાઈ રમેશભાઈએ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો હતો. જ્યાં પીએમ રિપોર્ટમાં રસીલાબેનનું મોત માથાના ભાગે ઈજા અને ગળેટૂંપો આપવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
રસીલાબેનના પતિ જયેશભાઈનું પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં મોત નીપજ્યા બાદ તે તેના સસરાથી અલગ રહેતાં હતાં. રસીલાબેન ચણાકા ગામમાં જ ખેતમજૂરી જતાં હતાં. પરંતુ, આ બાબત તેના સસરા શંભુભાઈને પસંદ ન હતી. સસરા તેની પુત્રવધૂના ચારિત્ર્ય પર શંકા કરતા હતા. જેના કારણે જ રસીલાબેનના માથામાં બોથડ પદાર્થનો ફટકો મારી ગળેટૂંપો આપી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૃતકને બે પુત્રો છે. જેમાં અમિત સુરતમાં રહે છે. જ્યારે નાનો દીકરો મીત તેનાં સાસુ-સસરા સાથે રહે છે. રસીલાબેનના વર્ષ ૨૦૦૪માં જયેશભાઈ માંડવિયા સાથે લગ્ન થયાં હતાં. ૨૦૧૭માં જયેશભાઈનું આકસ્મિક મોત નીપજ્યું હતું. ત્યારબાદ રસીલાબેન ગામમાં ખેતમજૂરી કરવા જતાં હતાં. જે તેના સસરાને પસંદ ન હતું. આ બાબતને લઈ વારંવાર ઝઘડો પણ થતો હોવાનું સામે આવ્યું છે.